ભારત સરકારે તાજેતરમાં ધર્મ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા મુજબ ગુજરાતના નવ જિલ્લામાં ૧૦ ટકાથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા જિલ્લામાં આણંદ-ખેડા જિલ્લાનો પણ સમાવેશ થયો છે. આણંદ જિલ્લામાં ૧૧.૯૯ ટકા અને ખેડા જિલ્લામાં ૧૧.૫૦ મુસ્લિમો વસે છે. જ્યારે હિન્દુઓની વસ્તી આણંદમાં ૮૫ ટકા અને ખેડામાં ૮૬ ટકા છે. જ્યારે ખેડામાં ખ્રિસ્તીઓ ૧.૧૬ ટકા અને અન્ય ૧.૩૪ ટકા નોંધાયા છે. આણંદ જિલ્લામાં ખ્રિસ્તીઓ ૧.૪૨ ટકા અન્ય લોકો ૧.૫૯ ટકા નોંધાયેલા છે.
નડિયાદ પાલિકાની ચૂંટણી માટે ભાજપમાં ૧૪૯ દાવેદારોઃ ખેડા જિલ્લાના મુખ્યમથક તરીકે ઓળખાતા નડિયાદ શહેર નગરપાલિકાની યોજાનારી આગામી ચૂંટણીના સંદર્ભે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત હાથ ધરાઈ છે. જેમાં ભાજપના નિરીક્ષકો દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા અને તેમની દાવેદારીની નકલો મેળવવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયામાં પાલિકાના ૧૩ વોર્ડમાં ૧૪૯ લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે. આ નગરપાલિકાના નવા વોર્ડ સિમાંકનની રચના મુજબ ૧૪માંથી ૧૩ વોર્ડ બન્યા છે. દરેક વોર્ડમાં બે મહિલાઓ સહિત ચાર વ્યક્તિઓ સભ્યપદે ચૂંટાય તે પ્રકારની બેઠકોનું આયોજન છે, એટલે ૧૩ વોર્ડમાં બાવન સભ્યો ચૂંટાશે.