કોરોના સંક્રમણથી બચવા વાસદવાસીઓની સ્વૈચ્છિક પહેલ
આણંદઃ ૨૪મી સપ્ટેમ્બરના અહેવાલો પ્રમાણે આણાંદ જિલ્લામાં એક સપ્તાહમાં ૧૦૦૦થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોનામાં ૧૬ દર્દીનાં મોત થયાં છે. કોરોનાના સંક્રમણને નાથવા માટે હાથ ધરાયેલી કવાયતને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ટેસ્ટમાં સંક્રમિત થયેલા દર્દીને તરત જ આઇસોલેટ કરીને સારવાર ચાલુ કરી દેવાય છે. ગામડાઓમાં પણ કોરોનાના કેસો વધતા જાય છે ત્યારે આણંદ જિલ્લાના કેટલાક ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. કરમસદ, ધર્મજ, મોગરી બાદ ૨૪મી સપ્ટેમ્બરથી વાસદ ગામે પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે જેને ગ્રામવાસીઓએ સારો પ્રતિસાદ આપ્યો છે. આ ગામમાં પણ એક તમાકુના વેપારી સહિત એક ગામવાસી કોરોનાથી મોતને ભેટ્યા છે.
નરસંડાના સરપંચ કલ્પેશભાઈ પટેલ પર હુમલો
નડિયાદઃ નરસંડા ગ્રામ પંચાયતમાં નરસંડા ડેરીથી બસ સ્ટેન્ડ સુધીનો ડામર રોડ મંજૂર થયો હોવાથી ગામના સરપંચ કલ્પેશભાઈ પટેલ તાજેતરમાં રોડ બનાવાની કામગીરી કરતા હતા ત્યારે રોડ પરનું અડચણરૂપ શેતૂરનું ઝાડ તેમણે જેસીબીથી દૂર કરાવ્યું હતું. જેથી ગામના લક્ષ્મણ શંકરભાઈ સોલંકી, જયંતી ઉર્ફે ભદ્દી શંકરભાઈ સોલંકી, સાગર વિનુભાઈ સોલંકી અને શંકર ડાહ્યાભાઈ સોલંકીએ ‘આવો રસ્તો કેમ બનાવે છે?’ તેમ કહ્યું અને ધારિયાથી સરપંચ પર હુમલો કરીને લાતો સહિતનો માર માર્યો હતો. આ લોકોએ સરકારી કામમાં અડચણ કરતા સરપંચે ચારેય વિરુદ્ધ ચકલાસી પોલીસમથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટિકટોક બંધ થતાં આણંદનો યુવાન મરચું-હળદર વેચે છે
આણંદઃ મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. પબ્જી અને ટિકટોક જેવી મોટી એપ્લિકેશન પર પણ મોદી સરકારે તાળું મારી દીધું છે. તેવામાં ટિકટોક બંધ થવાને કારણે અનેક ટિકટોક સ્ટાર હવે આર્થિક સંકડામણમાં આવી ગયા છે. ટિકટોકને કારણે ખ્યાતિ મળતાં તેનો ધંધો ચાલતો હતો, પણ ટિકટોક બંધ થતાં તે હવે મરચું હળદર વેચવા મજબૂર બન્યો છે. આણંદના ટિકટોક સ્ટારના ‘એ હળદર લો, એ મરચું લો’ના સાદની સાથે સુરીલા અવાજમાં ગીતો લલકારે છે જેથી લોકો ઘરની બહાર નીકળી આવે છે. ટિકટોક સ્ટાર મરચું-હળદર વેચવા સાથે સુરીલા ગીતો ગાઈને લોકોનું મનોરંજન કરે છે. આ યુવાનનું નામ જયેશ વાઘેલા છે અને તે આણંદ જિલ્લાના મહેળાવ ગામનો રહેવાસી છે. તેનો કંઠ સુરીલો હતો અને એક વર્ષ પહેલાં તેણે ટિકટોક પર કોમેડી વીડિયો શેર કરવાનું શરૂ કર્યું હતું. જયેશના ટિકટોક વીડિયો લોકોને એટલાં ગમતા હતા કે એક વર્ષમાં તેના ૮ લાખથી વધારે ફોલોઅર્સ થઈ ગયા હતા.
સુણાવમાં મંદિરના તાળાં તોડી સોના-ચાંદીના દાગીનાના ચોરી
આણંદઃ સુણાવ ગામમાં અંબામાતાના મંદિરમાં પૂજારી રાજેશભાઈ દવેએ સંધ્યા આરતી કર્યા બાદ મંદિરનો વહીવટ સંભાળતા હેમેન્દ્રભાઈ મણિભાઈ પટેલે મંદિરને બંધ કર્યું અને ઘરે ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે મંદિરના પૂજારી મંદિરમાં પૂજા કરવા ગયા તો મંદિરના દરવાજા ખુલ્લાં હતાં. આ અંગે તેમણે હેમેન્દ્રભાઈને જાણ કરતાં હેમેન્દ્રભાઈ અને તેમનાં પત્ની સુધાબહેન મંદિરમાં ગયા હતા. આ પછી તસ્કરોએ મંદિરના દરવાજાના નકુચા તોડીને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી અંબામાતાની મૂર્તિ પરથી ચાંદીની પાવડીઓ, મુગટ, બંગડીઓ અને દાન પેટીમાંથી રૂ. ૧૩૦૦ મળી કુલ રૂ. ૮૮૦૦ની મત્તાની ચોરી કર્યાની ફરિયાદ હેમેન્દ્રભાઈ પટેલે પેટલાદ ગ્રામ્ય પોલીસમથકે નોંધાવી છે. પોલીસે ગુનો
નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ આદરી છે.