વડોદરા: હાલોલમાં જનરલ મોટર્સનો બંધ થયેલો પ્લાન્ટ ખરીદીને તેની ફેસિલિટી અપગ્રેડ કરી શકવાની સંભાવના બાબતે એક ચીની ઓટોમોટિવ કંપનીની ટીમ ગુજરાતમાં હતી. હાલોલની જનરલ મોટર્સની ફેસિલિટી અપગ્રેડ કરીને અલ્ટ્રા મોડર્ન પ્લાન્ટ ઊભો કરવામાં આવે તો ચાઇનીઝ કંપનીને આર્થિક રીતે વધુ સુગમ પડી શકે તેવું આ ટીમે જણાવ્યું હતું.
આ ઉપરાંત ચાઇનીઝ મોટર કાર ઉત્પાદક કંપનીની ટીમે ગુજરાતમાં ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ માટે સંભવિત સ્થળોનો અભ્યાસ પણ કર્યો હતો. જનરલ મોટર્સના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર પી. બાલેન્દ્રનના વડપણ હેઠળ ટીમે આ મુલાકાત લીધી હતી.
ચીની મોટર કાર કંપની એસએઆઈસીએ જાહેરાત કરી હતી કે તે ભારતમાં ૨૦૧૯માં મોરિસ ગેરેજ (એમજી) બ્રાન્ડ હેઠળ મોટરકારનું ઉત્પાદન શરૂ કરશે. ગુજરાતમાં આ કંપનીની ટીમે વિવિધ વિકલ્પોના સંદર્ભમાં કેટલીક ચકાસણી પણ કરી હતી તેમ પણ કોર્પોરેટ સૂત્રોએ જણાવ્યું હતું.