દેવગઢબારિયાઃ તાલુકાના અંતરિયાળ વિસ્તાર જૂની બેડી ગામના નાનજી રાઠવાએ જાતે કૂવો ખોદી ફળિયાવાળાની દુનિયા બદલી નાંખી છે.
ગામના તળાવ ફળિયામાં ૬૦થી ૭૦ લોકો વસે છે. આ ફળિયામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સૌજન્યથી જીવન ધારા યોજનાનો વર્ષ ૧૯૯૧-૯૨માં કૂવો બનાવાયો હતો. આ સરકારી કૂવાનું પાણી સુકાઈ જતાં અને નજીકમાં પીવાનાં પાણીની બીજા કોઈ વ્યવસ્થા ન હોવાથી ફળિયાના લોકોને મુશ્કેલી પડતી હતી. હેન્ડ પંપ પણ બગડી ગયો હોવાથી પાણીની તંગી હતી. આ સમસ્યાના સમાધાન માટે નાનજીએ જાત મહેનતે કોઈ પણ સરકારી સહાય વગર દેશી સાધનો, કોસ, ત્રિકમ, છીણી, હથોડાથી ૨૦૧૧માં કુવો ખોદવાની શરૂઆત કરી. તેમના ૭માંથી પાંચ સંતાનોએ પણ તેમને મદદ કરી અને ચાર વર્ષમાં ૨૯ હાથ ઊંડો કૂવો ખોદ્યો. કૂવાના નિર્માણમાં છ હજાર ઇંટો, બે ગાડી પથ્થર ૩૫ થેલી સિમેન્ટનો વપરાશ થયો છે. ફળિયું હવે નાનજીભાઈએ બનાવેલા કૂવાનું પાણી વાપરે છે.