ચારુસેટ-ચાંગા હોસ્પિટલમાં ‘બાબુભાઈ અને સવિતાબહેન પટેલ જનરલ વોર્ડ’નું નામાભિધાન

Tuesday 17th March 2020 06:26 EDT
 
 

આણંદઃ શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે ૧૩મી માર્ચે એનએબીએચ પ્રમાણિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચારુસેટમાં ‘બાબુભાઈ અને સવિતાબહેન પટેલ જનરલ વોર્ડ’ના નામાભિધાન, અનાવરણ અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જનરલ વોર્ડ નામાભિધાન સમારંભ પ્રસંગે જ રૂ. ૧ કરોડથી વધુનું દાન આપનાર એનઆરઆઈ દાતા સ્વ. બાબુભાઈ અને શ્રી સવિતાબહેન પટેલને (વલાસણ/યુએસએ) દાન ભાસ્કર એવોર્ડ પણ એનાયત કરાયો હતો. આ કાર્યક્રમમાં સ્વ. બાબુભાઈ પટેલનાં ધર્મપત્ની સવિતાબહેન પટેલ, યુએસ નિવાસી પુત્ર મયંક અને પુત્રી સીમા - અમિતાબહેન પટેલ, નવીનભાઈ પટેલ - શાંતાબહેન પટેલ, ઘનશ્યામભાઈ પટેલ સહિત વલાસણ - કરોલી ગામના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
 માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીનભાઈ પટેલે કાર્યક્રમમાં સવિતાબહેનને શાલ ઓઢાડીને દાન ભાસ્કર એવોર્ડ અર્પણ કર્યો હતો. નવીનભાઈ પટેલે મોટાભાઈ બાબુભાઈને ભાવભીની અંજલિ આપતાં કહ્યું હતું કે, બાબુભાઈ ઢગલો સપનાં લઈને અમેરિકા ગયા હતા અને સઘળાં સ્વપ્નાં સાકાર થયાં છે. નગીનભાઈએ જણાવ્યું હતું કે, ચારુસેટ હોસ્પિટલ ગ્રામીણ વિસ્તારમાં આસપાસના ૩૫ ગામનાં દર્દીઓને ઉત્કૃષ્ટ સારવાર આપે છે. તબીબી ક્ષેત્રે નવી સુવિધાઓનો ઉમેરો કરવા વધુને વધુ દાન મળે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. માતૃસંસ્થા - કેળવણી મંડળના - સીએચઆરએફના સેક્રેટરી ડો. એમ. સી. પટેલે બાબુભાઈ અને સવિતાબહેન પરિવારનો દાન આપવા બદલ આભાર વ્યક્ત કરીને દાતાના પુત્ર મયંકભાઈને પુષ્પ અને શાલ અર્પણ કરીને તેમનું સન્માન કર્યું હતું. બાબુભાઈનાં પુત્રી અમિતાબહેને આ એવોર્ડ બદલ ચારુસેટનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મારા પિતાએ અમને ગૌરવ અપાવ્યું છે.
આ કાર્યક્રમમાં ચારુસેટ યુનિ.ના રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએ સીએચઆરએફના ઈતિહાસ અને કાર્યો ઉપરાંત દાતાઓ અંગેની માહિતી આપી હતી અને આભારવિધિ કરી હતી. આ પ્રસંગે સીએચઆરએફના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ, અશોકભાઈ પટેલ, ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી શ્રીમતિ મધુબહેન પટેલ, આર. વી. પટેલ, ટ્રસ્ટી જશભાઈ પટેલ, સીએચઆરએફના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, એડવાઈઝર ડો. બી. જી. પટેલ, પ્રો. એસ. પી. કોસ્ટા, દિલીપભાઈ પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ નવનીતભાઈ પટેલ, ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી, માતૃસંસ્થા - કેળવણી મંડળના - સીએચઆરએફના પદાધિકારીઓ, હોદ્દેદારો, ચારુસેટની વિવિધ કોલેજોના પ્રિન્સિપાલ, ચારુસેટ હોસ્પિટલના તબીબો, સ્ટાફ, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter