આણંદઃ ચરોતરના નરસંડા ગામની અને ચારુસેટની ફાર્મસી વિદ્યાશાખાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અર્પિતા પટેલે તાજેતરમાં અમૂલ્ય દવાનું સંશોધન કરી અનોખી સિદ્ધિ મેળવી છે. તેણે સ્ત્રીઓના ગર્ભાશયમાં થતા કેન્સર માટેની દવા શોધી છે. ગર્ભાશયમાં કેન્સર માટે માર્કેટમાં હાલમાં જે દવા અને ઇન્જેકશન ઉપલબ્ધ છે તે સ્ત્રીઓના અન્ય અંગોને આડઅસર કરે છે, પણ અર્પિતાએ એવી દવા શોધી કે જે કેન્સરના કણોનો કોઈ પણ આડઅસર વગર નાશ કરે છે. આ સંશોધન ભારતમાં પ્રથમ વખત થયું છે. અર્પિતાએ આ સંશોધન માટે ઇન્ડિયન પેટેન્ટ પણ ફાઈલ કરી છે. અર્પિતાના હાલના રિસર્ચના લીધે તેને સંશોધકોની શ્રેણીમાં સ્થાન પણ મળ્યું છે. યુકેના વિખ્યાત કોમનવેલ્થ ફેલોશિપ દ્વારા તેને એસ્ટોન યુનિવર્સિટીમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. ત્યાર બાદ તેણીને કેટલીક યુકેની કોન્ફરન્સમાં ભાગ લેવાનો મોકો પણ મળ્યો હતો.
અર્પિતાએ ચારુસેટ સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. તે વિદ્યાર્થિની હતી ત્યારે વિદ્યાશાખાના પદવીદાન સમારોહમાં ડો. એ. પી. જે. અબ્દુલ કલામના હસ્તે તેને ગોલ્ડ મેડલ પણ એનાયત થયો હતો.
ચારુસેટમાં ભણતર બાદ અર્પિતાએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, બરોડા ખાતે ડો. હેતલ ઠક્કરના માર્ગદર્શન હેઠળ પીએચડીની શરૂઆત કરી હતી અને તે ગોલ્ડ મેડાલિસ્ટ હોવાથી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઇન્ડિયા તરફથી તેને આ શિક્ષણ માટે ફેલોશિપ મળી હતી.