અમદાવાદઃ ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના ઉપક્રમે ચારુસેટ હોસ્પિટલ ચાંગામાં ‘લલિતાબા ક્રિટીકલ કેર યુનિટ’ના લોકાર્પણનો કાર્યક્રમ ૨૪મી ડિસેમ્બરે યોજાયો હતો. ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર સમાજ (માતૃ સંસ્થા) ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ, ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના સુકાનીઓ અને તમામ દાતાઓના ઉદાર દાન થકી ૪૫૦ બેડની વર્લ્ડક્લાસ મલ્ટી સ્પેશ્યાલિટી ‘ચારુસેટ હોસ્પિટલ’ ચારુસેટ યુનિવર્સિટી કેમ્પસમાં આકાર લઈ રહી છે.
ક્રિટીકલ કેર યુનિટના દાતા લલિતાબાના હસ્તે તકતી અનાવરણ થકી લોકાર્પણ કરાયું હતું. ચારુસેટ હોસ્પિટલ ખાતે સ્થપાયેલ ક્રિટીકલ કેર યુનિટ અર્થે લલિતાબહેન વી. ટી. પટેલ (રામોલ-લંડન) તરફથી દોઢ કરોડનું માતબર દાન પ્રાપ્ત થયું છે. આ પ્રસંગે સી.એચ.આર.એફ.ના ઉપપ્રમુખ અને કેળવણી મંડળના ટ્રસ્ટી વિરેન્દ્ર પટેલે સ્વાગત પ્રવચન અને મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. મંત્રી ડો. એમ. સી. પટેલ દ્વારા પુષ્પગુચ્છથી અને માતૃસંસ્થા અને સી.એચ.આર.એફ.ના પ્રમુખ નગીન પટેલ દ્વારા પૂ.લલિતાબાને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે દાતા પરિવાર વતી લલિતાબાના પુત્ર અને કેળવણી મંડળના ટ્રસ્ટી ચંદ્રકાંત પટેલે જણાવ્યું હતું કે અમારા ધનનો સમાજના સારા કાર્યમાં અને ચારુસેટ યુનિવર્સિટી કેમ્પસમાં ઉદ્દાત મેનેજમેન્ટ ધરાવતી સંસ્થામાં પ્રગતિ માટે દાન કરવું એ અમારા પરિવાર માટે સંતોષ અને આનંદદાયક બાબત છે.