આણંદઃ વલાસણના વતની અને હાલમાં યુએસએ સ્થિત બિઝનેસ ટાયકૂન બાબુભાઈ પ્રભુદાસ પટેલ, તેમનાં ધર્મપત્ની સવિતાબહેન અને બાબુભાઈના બનેવી કલોલીના વતની યુએસસ્થિત નટુભાઈ પટેલે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ચારુસેટ હોસ્પિટલની મુલાકાત બાદ બાબુભાઈ અને તેમની સાથે આવેલા કુટુંબઈજનો હોસ્પિટલમાં અપાતી સુવિધાઓ અને સેવાઓથી પ્રભાવિત થયા હતા. બાબુભાઈએ એ પછી ચારુસેટ હોસ્પિટલના જનરલ વોર્ડ માટે રૂ. એક કરોડના દાનનો સંકલ્પ કર્યો હતો.
ચારુસેટ હોસ્પિટલના મોવડીઓ – ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (CHRF)ના પ્રમુખ નગીનભાઈ પટેલ, મંત્રી ડો. એમ. સી. પટેલ, ઉપપ્રમુખ શ્રી વીરેન્દ્ર પટેલ, સહમંત્રી શ્રી ધીરુભાઈ પટેલ અને ચારુસેટના પ્રોવોસ્ટ ડો. બી. જી. પટેલ, ચારુસેટ હોસ્પિટલના સી.ઓ.ઓ. ડો. ઊમા પટેલ ઉપરાંત ચારુસેટ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશી, સલાહકારો, ડીન, પ્રિન્સિપાલ વગેરે સાથે વાર્તાલાપ કરી રૂ. એક કરોડનું માતબર દાન બાબુભાઈએ જાહેર કર્યું હતું. આ ઉમદા સંકલ્પને ઉપસ્થિત સૌએ વધાવી લીધો હતો. આ સંકલ્પને તેઓએ એક સપ્તાહમાં પૂર્ણ કરતાં ચારુસેટ હોસ્પિટલને રૂ. ૧ કરોડનો ચેક અર્પણ કર્યો હતો. જે માટે ચારુસેટ દ્વારા બાબુભાઈનું પ્રતિષ્ઠિત દાન ભાસ્કર એવોર્ડથી સન્માન પણ કરવામાં આવ્યું હતું.
બાબુભાઈ પટેલ વિખ્યાત ફૂડચેઈન ‘ડંકીન ડોનટ્સ’ના ૩૬ સ્ટોર્સ ધરાવે છે. ‘ડંકીન ડોનટ્સ’ વિશ્વના ૩૬ દેશોમાં ૧૨,૦૦૦ ફૂ઼ડ સ્ટોર સાથે વિશ્વ વિખ્યાત બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત છે.
બાબુભાઈને દાન ભાસ્કર સન્માન અર્પણ કરતાં નગીનભાઈ પટેલે અને ડો. એમ. સી. પટેલે હર્ષની લાગણી અનુભવી હતી અને બાબુભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. નગીનભાઈ પટેલે જણાવ્યું હતું કે ચારુસેટ હોસ્પિટલ એ એક મેગા પ્રોજેક્ટ છે જે સર્વે દાતાઓના સહયોગ અને સહિયારા પ્રયાસ થકી સફળ બન્યો છે.