વડોદરાઃ ચાંગા ખાતે આવેલી ચારુસેટ હોસ્પિટલમાં પહેલી ઓક્ટોબરે શ્રીમતી ચંદાબહેન મોહનભાઈ પટેલ બ્લડ બેંકનો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરી, રાજ્યના ખનીજ પ્રધાન રોહિતભાઈ પટેલ, મુંબઈના ભૂતપૂર્વ શેરીફ તેમજ બ્લડ બેંકના મુખ્ય દાતા એમ. આઈ. પટેલ, ચારુસેટ યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન-CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા કેળવણી મંડળ અને CHRFના માનદ્ પ્રધાન એમ. સી. પટેલ, ચારુસેટ હોસ્પિટલના સીઓઓ ડો. ઉમાબહેન પટેલની સાથે સાથે માતૃસંસ્થા કેળવણી મંડળ તથા ચારુસેટ યુનિવર્સિટી પરિવારના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય પછી મહાનુભાવોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ડો. ઉમાબહેન પટેલે ચારુસેટ હોસ્પિટલ અને તેની પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી હતી.
સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત શંકરભાઈ ચૌધરીએ રક્તદાનનું મહત્ત્વ સમજાવતાં કહ્યું હતું કે, ઈશ્વર સિવાય કોઈ સર્જન ના કરી શકે એવા રક્તનું દાન એ સર્વશ્રેષ્ઠ દાન છે. ચારુસેટ પરિવારની ખાસિયત જણાવતાં એમણે કહ્યું હતું કે અહીં દાતાઓ ફક્ત દાન જ નહીં પરંતુ પોતાનો સમય પણ આપે છે.
આ સમારોહમાં કિરણભાઈ અને અંજુબહેન દ્વારા ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલને રૂ. ૧ કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. બ્લડ બેંકના મુખ્ય દાતા એમ આઈ પટેલે બ્લડ બેંકને સમાજ કલ્યાણનું એક સોપાન ગણાવ્યું હતું. તેમણે રક્તને વધુ સમય સાચવી શકાય તેવી ટેકનિક વિક્સાવવા પર ભાર મૂક્યો હતો.