ચાંગા: ચાંગાસ્થિત NABH પ્રમાણિત વિખ્યાત મલ્ટી-સ્પેશિયાલિટી ચારુસેટ હોસ્પિટલમાં તાજેતરમાં એક દર્દીને ભાનમાં જ રાખીને મગજનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પેટલાદમાં વસતા ૪૧ વર્ષના ઉદેસિંહ મનસુખભાઇ વસાવાને છેલ્લા આઠ મહિનાથી માથાનો દુખાવો તેમજ ડાબા હાથમાં અશક્તિ અને ઝણઝણાટી રહેતા હતા. તેમણે ઘણા તબીબી નિષ્ણાતોને બતાવ્યું હતું પરંતુ તેમનું ઓપરેશન ખૂબ જ જોખમી હતું. ઓપરેશનમાં ડાબા હાથ અને પગની નબળાઇ થઈ શકે તેવી શકયતા હતી. આ પછી તેમને ચારુસેટ હોસ્પિટલમાં મગજના ઓપરેશન થતા હોવાનું જાણવા મળ્યું હતું.
તેમણે બધા મેડિકલ રિપોર્ટ્સ લઈને ચારુસેટ હોસ્પિટલમાં ન્યૂરો સર્જનને બતાવ્યા. બધા રિપોર્ટ્સ તપાસ્યા પછી ન્યૂરો સર્જને દર્દીને ભાનમાં રાખીને ઓપરેશન કરવા તૈયારી દર્શાવી હતી. દર્દીની સંમતિ લીધા પછી ચારુસેટ હોસ્પિટલના એનેસ્થેટિક અને પેઇન મેનેજમેન્ટના નિષ્ણાત ડો. હિતેશ પટેલે તેમને માથાના ભાગની નસોને બહેરી કરવાનું ઈન્જેકશન આપ્યું હતું, જેથી ઓપરેશન વેળા મગજનો ભાગ ખોલવામાં કોઈ પણ પ્રકારનો દુખાવો ના થાય. ઓપરેશન દરમિયાન દર્દીના ડાબા હાથ અને પગની હલનચલન પર સતત નજર રાખવામાં આવી હતી. આથી દર્દીને ભવિષ્યમાં હાથ અને પગમાં નબળાઈ ના આવે.
આમ એક મગજનું ખૂબ જ જટીલ ઓપરેશન દર્દીને ભાનમાં રાખીને કોઈ પણ તકલીફ વગર સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. તબીબોના જણાવ્યા મુજબ આ પ્રકારનું દર્દીને ભાનમાં રાખી તેના મગજનું ઓપરેશન આણંદ જિલ્લામાં પ્રથમ વાર કરવામાં આવ્યું છે.
દર્દીનું ઓપરેશન અને સારવાર મુખ્ય પ્રધાનની મા અમૃતમ્ યોજના હેઠળ વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા. ઉદેસિંહ વસાવા અને તેમના પરિવારે ચારુસેટ હોસ્પિટલના ન્યુરો સર્જન, એનેસ્થેટિક, ઓપરેશન થિયેટર સ્ટાફ, આઇસીયુ સ્ટાફ વગેરે પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.