આણંદઃ ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના નેજા હેઠળ ચાલતી ચારુસેટ હોસ્પિટલ ચાંગામાં ૧૩મી જાન્યુઆરીએ ‘નાથાભાઈ (માસ્ટર) એન્ડ કાશીબહેન પટેલ જનરલ વોર્ડ’નું લોકાર્પણ થયું હતું. જનરલ વોર્ડ માટે દાતા નટુભાઈ પટેલ (કલોલી/યુ.એસ.એ.) તરફથી રૂ. એક કરોડનું દાન પ્રાપ્ત થયું હતું. નટુભાઈ પટેલના હસ્તે જ આ વોર્ડની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. દાન બદલ દાતાને ભાસ્કર એવાર્ડથી સન્માનિત કરાયા હતા જેનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
સામાજિક, શિક્ષણ અને સ્વાસ્થ્ય યાત્રાના ઉદેશને ચરિતાર્થ કરતા આગળ વધતા ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર સમાજ (માતૃસંસ્થા), ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ, ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફોઉન્ડેશનના સુકાનીઓ અને તમામ દાતાઓના ઉદાર દાન થકી ૪૫૦ બેડની વર્લ્ડ ક્લાસ મલ્ટીસ્પેશિયાલિટી ચારુસેટ હોસ્પિટલ ચારુસેટ યુનિવર્સિટી કેમ્પસમાં જ આકાર લઇ છે.
તેના જનરલ વોર્ડના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સમારોહનો વિધિવત આરંભ કરાયો હતો. સી.એચ.આર.એફના ઉપપ્રમુખ અને કેળવણી મંડળના ટ્રસ્ટી વીરેન્દ્ર પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. સી.એચ.આર.એફના ખજાનચી અને કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણ પટેલે મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. મંત્રી ડો. એમ. સી. પટેલ દ્વારા પુષ્પ ગુચ્છથી અને માતૃસંસ્થા અને સી.એચ.આર.એફના પ્રમુખ નગીન પટેલે નટુભાઈ પટેલનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ડો. ઉમા પટેલ દ્વારા ચારુસેટ હોસ્પિટલની રૂપરેખા અપાઈ હતી.
આ પ્રસંગે નટુભાઈ પટેલના જમાઈ અને અમેરિકા સ્થિત કાર્ડિયોલોજિસ્ટ ડો. જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે. ધનનું સમાજના સારા કાર્યમાં અને ઉદાત્ત મેનેજમેન્ટ ધરાવતી સંસ્થામાં દાન કરવું એ અમારા પરિવાર માટે સંતોષ અને આનંદદાયક બાબત છે.
આ પ્રસંગે યુ.કે. સ્થિત ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાપ્તાહિત સમાચારપત્રના માલિક-તંત્રી અને પ્રકાશક સી. બી પટેલ પણ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. સી. બી. પટેલે પ્રાસંગિક પ્રવચનમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય યાત્રાના સ્મરણો વર્ણવ્યા હતા.
માતૃસંસ્થા અને સી.એચ.આર.એફના સહમંત્રી ધીરુભાઈ પટેલે હોસ્પિટલના વિચારબીજથી લઈને તેની સ્થાપના - વિકાસગાથા અને ભવિષ્યની યોજનાઓની વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે નટુભાઈ પટેલના જીવન પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, તેઓ મહેનત અને ઉદારતા જેવા ઉમદા ગુણો જેવું પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવે છે. તેમણે જણાવ્યું કે નટુભાઈએ રૂ. ૧ કરોડનું માતબર દાન ફાળવ્યું એ બદલ સંસ્થા તેમની આભારી છે અને નટુભાઈ પટેલને ચારુસેટની આગવી પરંપરા અનુસાર ભાસ્કર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
ચારુસેટના પ્રોવોસ્ટ ડો. બી. જી.પટેલે વિશ્વસ્તરીય ચારુસેટ હોસ્પિટલ સામેના પડકારોનો પરિચય આપ્યો હતો. માતૃસંસ્થાના પ્રમુખ નગીનભાઈ પટેલે હોસ્પિટલની સહિયારી સ્વાસ્થ્ય યાત્રામાં સર્વ પ્રકારે ભાગ લેવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે ડો. એ. સી. પટેલ, કેળવણી મંડળના જોઈન્ટ સેકેટરી મધુબહેન પટેલ, નવનીતભાઈ એચ પટેલ (અજરપુરા), માતૃસંસ્થાના સહમંત્રી જશભાઈ પટેલ, ચારુસેટ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશી, ચારુસેટના એડવાઈઝર્સ, વિવિધ શાખાઓના ડીન, પ્રિન્સિપાલ સહિત માતૃસંસ્થા અને સી.એચ.આર.એફના હોદેદારો તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સમાજગોષ્ટીના તંત્રી ડો. શરદ પટેલે આભારવિધિ કરી હતી.