ચાંગા: ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ મૂળ મહેળાવના અને અમેરિકા નિવાસી દાનવીર સ્વ. પનુભાઈબી. પટેલની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી.
આ સભામાં ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ અને ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ નગીન પટેલ, માતૃસંસ્થા, કેળવણી મંડળ અને CHRFના માનદ પ્રધાન ડો. એમ. સી. પટેલ, ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી ઉપરાંત કેળવણી મંડળ, માતૃસંસ્થા અને CHRFના ટ્રસ્ટી – હોદ્દેદારો અને કારોબારી સભ્યો સહિત એડવાઈઝર્સ, વિવિધ કોલેજોના ડીન, પ્રિન્સિપાલ, ફેકલ્ટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. દાતાનાં પત્ની ભાનુબહેન અને પુત્ર હર્ષિતભાઈ અમેરિકા-ન્યૂ યોર્કથી ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા.
સભાના પ્રારંભે ચારુસેટ યુનિ,ના રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએ સ્વ. પનુભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ચારુસેટ કેમ્પસ માટેના તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પનુભાઈ પટેલ પરિવાર દ્વારા ચારુસેટ કેમ્પસમાં ચારુસેટ યુનિ. અને ચારુસેટ હોસ્પિટલ માટે રૂ. બે કરોડનું માતબર દાન પ્રાપ્ત થયું હતું.
પનુભાઈ પટેલ ચારુસેટ સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટિ. ઓફ ટેકનોલોજીની એક વિદ્યાશાખા Upendra & Paresh U. Patel Department of Computer Engineeringના દાતા છે.
સ્વ. પનુભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ (કમ્ફી)એ અગાઉ આફ્રિકાના યુગાન્ડામાં વસતા દાતા સાથેના સંબંધો યાદ કર્યાં હતાં. પૂર્વ પ્રિન્સિપાલ શનુભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી મધુબહેન પટેલ, માતૃસંસ્થાના ખજાનચી પ્રિ. આર. વી. પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ વી. એમ. પટેલે દાતા સાથેના સ્મરણો યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, સ્વ. પનુભાઈનું જીવન મહેનત, લગન, સાહસિકતા, ઉદારતા જેવા ઉમદા ગુણોથી ભરપુર રહ્યું હતું.
આ પ્રસંગે હર્ષિતભાઈ પનુભાઈ પટેલે પિતાનું યોગદાન યાદ કરી આટલા ટૂંકા સમયમાં શ્રદ્ધાંજલિ સભા યોજવા બદલ ચારુસેટ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર ચારુસેટ પરિવાર વતી સ્વ. પનુભાઈના પરિવારને માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ નગીન પટેલે દિલસોજી પાઠવી હતી. અંતમાં સર્વેએ બે મિનિટનું મૌન પાળ્યું હતું.