અમદાવાદઃ ચરોતર છ ગામ પાટીદાર સમાજના અમદાવાદથી મુંબઈ સુધી કાર્યરત વિવિધ ૧૩ ઘટકોના સંયુક્ત ઉપક્રમે સમાજની માતૃસંસ્થા ભારત પાટીદાર સમાજના નેજામાં આગામી ૨૭મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ભાદરણ મુકામે આંતરરાષ્ટ્રીય યુવા પરિચય સંમેલનનું આયોજન કરાયું છે.
આ અંગે માહિતી આપતાં સમાજના માનદ મંત્રી રાજેશ પટેલે (ધર્મજ) જણાવ્યું હતું કે, અગાઉના સમયમાં દરેક સમાજના લોકો મોટેભાગે મૂળ ગામોમાં વસતા હતા. તે જમાનામાં લગ્નો બેથી ત્રણ દિવસ ચાલતાં હતાં. એક ગામના વડીલો બીજા ગામમાં જાન લઈને આવતાં અને બે દિવસ જાન રોકાતી. જેથી અરસપરસ સમાજની વાતો થતી. એકબીજાના ગામમાં લગ્નની ઉંમરલાયક યુવક-યુવતીઓની ચિંતા કરવામાં આવતી. સરવાળે એક લગ્ન પતાવી જાન ઘરે પરત આવે ત્યાં સુધીમાં બીજા એક કે બે લગ્નો ગોઠવાઈ જતાં હતાં.
બદલાતા જમાનામાં અનેક કારણોસર લોકો ગામમાંથી સ્થળાંતર કરી દેશ અને પરદેશમાં સ્થાયી થયા છે. સમાજના લોકો પણ અનેક કારણોસર વ્યસ્ત બનતા જાય છે. ત્યારે વર્ષમાં એકાદ વખત સમાજના લગ્નોત્સુક યુવક તથા યુવતીઓ માટે પસંદગી માટે સમાજના સંમેલનનું આયોજન કરવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે. છ ગામ પાટીદાર સમાજના વિવિધ ઘટકોના સંયુક્ત ઉપક્રમે ભાદરણ મુકામે સમાજના લગ્નોત્સુક યુવક તથા યુવતીઓના આંતરરાષ્ટ્રીય યુવા પરિચય સંમેલનનું આયોજન કરાયું છે.
આ સંમેલનમાં સમાજના છ ગામ ધર્મજ, નડિયાદ, સોજિત્રા, ભાદરણ વસો અને કરમસદ (ધનસોભાવક) તથા સાવલીમાં રહેતા સમાજના કુટુંબના વ્યક્તિઓ ભાગ લઈ શકશે.