ગાંધીનગર: ગુજરાતના મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા રિટાયર્ડ સનદી અધિકારી કુનિયિલ કૈલાસનાથનને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બે વર્ષનું એક્સટેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે કૈલાસનાથન સતત છઠ્ઠીવાર એક્સટેન્શન મેળવનારા અને નિવૃત્તિ પછી રાજ્ય સરકારની અતિમહત્ત્વની જગ્યા પર છથી વધુ વર્ષ માટે કામ કરનારા પહેલા સનદી અધિકારી બન્યા છે.
૧૯૭૯ બેચના અધિકારી કૈલાસનાથનને ગુજરાત સરકારના સંકટમોચક માનવામાં આવે છે અને તેમણે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે કામ કર્યું હતું. જૂન ૨૦૧૩માં સેવાનિવૃત્ત થયા બાદ તુરંત જ મોદીએ તેમના માટે પોતાની કચેરીમાં મુખ્ય અગ્ર સચિવનો એક વિશેષ હોદ્દો ઊભો કરી તેમને પોતાનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી નિમણૂક આપી હતી. ત્યારબાદ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી બાદ મોદી વડા પ્રધાન બન્યા અને તેઓ કૈલાસનાથનને પોતાની સાથે દિલ્હી લઇ જશે તેવી વકી વચ્ચે પણ કૈલાસનાથન ગુજરાત જ રહ્યા અને તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પણ બે વાર એક એક વર્ષના બે એક્સટેન્શન આપ્યા. તે પછી વિજય રૂપાણી મુખ્ય પ્રધાન બન્યા અને કૈલાસનાથનને ઓગસ્ટ ૨૦૧૬થી ડિસેમ્બર ૨૦૧૭ અને ડિસેમ્બર ૨૦૧૭ થી ડિસેમ્બર ૨૦૧૯ સુધીનું એક્સટેન્શન અપાયું હતું. ૩૩ વર્ષ સુધી ગુજરાત સરકારમાં સનદી અધિકારી તરીકે કામ કર્યાં બાદ આ વધુ સાડા છ વર્ષના સમયગાળા માટે કૈલાસનાથને કામ કર્યું છે.