વડોદરાઃ બાયો કેમેસ્ટ્રીનો અભ્યાસ કરવા માટે છ મહિના પહેલાં અમેરિકા ગયેલી વડોદરાની એક યુવતીને તેનો પ્રેમી અને છુપી રીતે જેની સાથે લગ્ન કર્યાં હતાં તે પતિ ફોન અને વીડિયો કોલ કરી કરીને રંજાડી રહ્યો હતો. તે મહિલાને ધાકધમકી આપતો અને ફોનમાં બિભત્સ ગાળો બોલીને યુવતીને હેરાન કરતો હતો. થોડા દિવસ પહેલાં યુવતીએ રડતાં રડતાં તેની વડોદરામાં રહેતી માતાને ફોન કરીને આ અંગે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં વડોદરાના બ્રિજેશ મયૂરભાઈ પટેલ સાથે તેને પ્રેમસંબંધ હતો અને તેણે કોઈને પણ જાણ કર્યા વિના છૂપી રીતે બ્રિજેશ સાથે રજિસ્ટર મેરેજ કરી લીધાં હતાં. હું વિદેશ આવી છું ત્યારથી બ્રિજેશ રોજેરોજ વીડિયો કોલ કરીને તેને વિદેશ બોલાવવા દબાણ કરે છે. છેલ્લા ચાર મહિનાથી બ્રિજેશ વીડિયો કોલમાં બિભત્સ ગાળો બોલીને કહે છે જો તું અમેરિકા નહીં બોલાવે તો હું તારી મમ્મીને તથા તારા કુટુંબને બદનામ કરી નાંખીશ. બ્રિજેશ મારા ગુગલ એકાઉન્ટમાંથી મારા ઓળખીતાઓનાં નંબર મેળવીને તેમને પણ ફોન કરે છે.
માતાએ દીકરીને નંબર બદલી નાંખવાની સલાહ પછી બ્રિજેશ દીકરીનો સંપર્ક ન કરી શકતાં બ્રિજેશે વડોદરામાં યુવતીના ઘરે પહોંચી મહિલાની માતાને ધમકી આપી હતી કે, સમાજમાં તમે મોઢું બતાવવાને લાયક નહીં રહો. બ્રિજેશ વારંવાર તેમની સોસાયટીમાં આવીને બિભત્સ ચેનચાળા કરતો હતો.
દરમિયાન, ૧૬મી જૂને અચાનક યુવતીની માતાના મોબાઈલ પર કેન્યાથી ફોન આવ્યો હતો. સામાવાળા વ્યક્તિએ પોતાની ઓળખ ઈશ્વરભાઈ રબારી તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે જો તમારે તમારી દીકરીના ભવિષ્ય માટે સેટલમેન્ટ કરવું હોય તો હું જે વ્યક્તિને મોકલું તેને રૂ. ૨૦ લાખ આપી દેજો. જો તમે પૈસા નહીં આપો તો તમને તથા તમારી દીકરીને જાનથી મારી નાંખીશું. તમારા વોટ્સએપ ચેટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશું. સમાજમાં તમારી બદનામી કરાવી દઈશું અને તમને મરવા માટે મજબૂર કરી દઈશું.
ઈશ્વર રબારીનો આવો કોલ આવતાની સાથે યુવતી માતા હરણી પોલીસ પાસે પહોંચી હતી અને પોલીસને સઘળી હકીકત જણાવી હતી. હરણી પોલીસે બ્લેકમેઈલિંગ અને ખંડણીના આવા ખતરનાક નેટવર્કનો પર્દાફાશ કરવા માટે છટકું ગોઠવ્યું હતું. યુવતીની માતાને એવું જણાવવામાં આવ્યું હતું કે તમે ઈશ્વર રબારીને ફોન કરીને કહો કે, હું હમણાં રૂ. પાંચ લાખ આપી શકું તેમ છું. તો પૈસા લેવા માટે તમારા માણસને મોકલી આપો. યુવતીની માતા પાસે જે જગ્યાએ ઈશ્વર રબારીના માણસો પૈસા લેવા આવવાના હતા. તે જગ્યાએ પહેલેથી જ હરણી પોલીસની ટીમે સાદા વેશમાં ગોઠવાઈ ગઈ હતી. પૈસા લેવા જેવા ઈશ્વરના માણસો આવ્યા તે સમયે પોલીસે તેમને પકડી લીધા હતા.
રૂ. પાંચ લાખની ખંડણી લેતાં બંને યુવકો દશરથ ભલાભાઈ દેસાઈ અને દુર્ગેશ કનુભાઈ પટેલ ઓઢવ, અમદાવાદના હતા પોલીસે બંનેની અટકાયત કરી ફોર્ચ્યુનર ગાડી જપ્ત કરી હતી. પોલીસે બ્રિજેશ મયૂરભાઈ પટેલને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓના કોરોનાના ટેસ્ટ માટે સેમ્પલો લેવડાવ્યા હતા. આ કેસમાં પોલીસે આગળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું છે.