વડોદરા: સુલતાનપુરના સાંસદ ફિરોઝ વરુણ ગાંધીએ ૧૯મીએ સર સયાજી નગર ગૃહમાં નવરચના યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘આઇડિયાઝ ફોર ન્યૂ ઇન્ડિયા’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું કે, આપણા સાંસદોએ છેલ્લા પાંચ વર્ષમાં ચાર વખત પોતાનો પગાર વધાર્યો છે જે બાબત ગેરબંધારણીય છે. જે સાંસદ પોતાના મતવિસ્તારની એક પણ વખત મુલાકાત સુદ્ધાં નથી લેતા એ લોકો વેતનમાં વધારો માગવાને કે કરવાને લાયક નથી.
ગાંધીએ વધુમાં કહ્યું કે, દેશમાં તકો સામે પડકારો છે. મત આપી દેવાથી દેશના નાગરિકોનું કર્તવ્ય પૂરું નથી થતું એટલે જ ‘રાઇટ ટુ રિકોલ’નો પ્રશ્ન સંસદમાં મેં ઉઠાવ્યો હતો. જેથી સાંસદોમાં મારા પ્રત્યે નારાજગી પણ હતી. જો ચૂંટાયા બાદ સાંસદ કે કોઇ ધારાસભ્ય ગુનાઓ આચરે અથવા લોકોનું કામ ન કરે અને ૮૦ ટકા મતદારો તેને બદલવાની માગ કરે તો તે મતવિસ્તારમાં પેટાચૂંટણી થવી જોઇએ.
રૂ. ૨૫ કરોડની અસ્કામતો ધરાવતા સાંસદોએ પગાર ન લેવો
વરુણ ગાંધીએ કહ્યું હતું કે, લોકસભાના ૧૮૦ અને રાજ્યસભાના ૭૫ સભ્યોએ પોતાની સંપત્તિ રૂ. ૨૫ કરોડ કરતાં વધારે જાહેર કરી છે. આ તમામ સાંસદોને મેં પત્ર લખીને અપીલ કરી હતી કે તમારે જાતે જ તમારા પગારનો અસ્વીકાર કરવો જોઈએ. જેના થકી દેશના લોકોના રૂ. ૪૦૦ કરોડ બચશે. મેં છેલ્લા નવ વર્ષથી સાંસદ તરીકે વેતન લીધું જ નથી. હું દર મહિને સ્પીકરને પત્ર લખીને મારો આખો પગાર કોઈને કોઈ સંસ્થાને આપી દેવા માટે કહું છું.