છેલ્લા શ્વાસ સુધી જીવવા મથતી પ્રાચીને હત્યારાએ કલાક સુધી તડપાવીને મારી નાંખી

Wednesday 01st May 2019 07:22 EDT
 
 

વડોદરાઃ મોડેલ અને એક્ટ્રેસ પ્રાચી મૌર્યની હત્યા પછી તેના પૂર્વ પ્રેમી વસીમ અરહાનની પોલીસે ધરપકડ કરી હતી. પ્રાચી વસીમને ટ્યુશન આપતી હતી. તેમાંથી બંનેને પ્રેમ થયો પછી બ્રેક અપ થયું અને પ્રાચી અંકિતના સંપર્કમાં આવી હતી. વસીમે પ્રાચીની હત્યા પોતે કરી હોવાનું કબૂલી આખી ઘટનાનું પોલીસ સામે વર્ણન કર્યું હતું ત્યારે પોલીસ પણ ચોંકી ઊઠી હતી. વસીમે પોલીસ સમક્ષ કબૂલ કર્યું કે, છેલ્લી ઘડી સુધી જીવવા માટે તડપતી પ્રાચી મૌર્યને મારી નાંખતાં તેને નાકે દમ આવી ગયો હતો. ત્રણ વાર બચી ગયેલી પ્રાચીને ચોથી વાર દુપટ્ટા વડે ગળે ફાંસો આપીને તેણે મારી નાંખી અને પછી તે ભાગી છૂટયો હતો.
રાતે એક કલાક સુધી ચાલેલા ખૂની ખેલની સિલસિલાબદ્ધ વિગતો વસીમે જ પોલીસ સમક્ષ કબૂલી લેતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વસીમે કહ્યું કે, પ્રાચી ખંભાતમાં ‘સ્પીચલેસ’ નાટકનો શો પૂરો કરીને વડોદરા આવી હતી. અંકિત બાઈક પર હતો અને પ્રાચી એક્ટિવા પર સવાર હતી. અંકિત પ્રાચીને મૂકવા માટે આવી રહ્યો હતો ત્યારે વડોદરાના અલકાપુરીથી વસીમે બંનેનો પીછો કર્યો હતો. પ્રાચીના બંગલાથી થોડે દૂર વસીમે પ્રાચીને આંતરી હતી અને ઝઘડો કરતાં અંકિત વચ્ચે પડયો હતો. પ્રાચીએ અંકિતને કહ્યું હતું કે, હું સંભાળી લઇશ તું જા... તેમ કહી અંકિતને રવાના કર્યો હતો. એ પછી પ્રાચી અને વસીમ વચ્ચે બોલાચાલી થતાં મારામારી થઇ હતી. વસીમે પ્રાચીનું ગળું દબાવી દેતાં બંને નીચે પટકાયા હતા ત્યારે કોઇ બાઇક સવાર આવતો હતો તેથી વસીમે પ્રાચીને ઝાડ પાછળ ફેંકી દીધી હતી અને ફોન પર વાત કરતો હોય તેવું નાટક કર્યું હતું.
એ પછી ફરીથી તેણે ગળું દબાવતાં પ્રાચી બેભાન જેવી થઇ હતી ત્યારે કોઈ કાર ત્યાંથી પસાર થતાં ફરી વસીમે ફોન પર વાતનો ડોળ કર્યો હતો. પ્રાચી મરી ગયાનું માની વસીમ બાઇક લઇને ચાલ્યો ગયો હતો, પરંતુ પ્રાચીનો મોબાઇલ કદાચ ભેદ ખોલી નાંખશે એવી બીકે તે પાછો ત્યાં આવ્યો ત્યારે પ્રાચી કણસતી હતી એ વખતે વસીમે ફરી પ્રાચીનું ગળું દબાવતાં તે શાંત થઇ ગઇ હતી. જોકે વસીમ ઘર તરફ જતો હતો ત્યારે તેને થયું કે પ્રાચી પાસે કદાચ બીજો મોબાઇલ હશે તેથી તે ગેંડાસર્કલથી પાછો વળ્યો અને મળસ્કે સાડા ત્રણેક વાગ્યે પ્રાચીને દુપટ્ટા વડે ફાંસો આપી દીધો હતો અને તે મરી ગઇ હોવાની ખાતરી કર્યા બાદ ઘેર ગયો હતો. વસીમ પિતાને હત્યાનો ઘટનાક્રમ કહીને ભાગી રહ્યો હતો ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો હતો.
પ્રાચીનો પ્રતિકાર અને વસીમની ઇજાઓ મહત્ત્વના પુરાવા
પોલીસે જણાવ્યું છે કે, આ બનાવને નજરે જોનાર કોઇ સાક્ષી મળ્યું નથી, પરંતુ પ્રાચી અને વસીમ વચ્ચે બ્રેકઅપ બાદ લાંબા સમયથી બંને વચ્ચે માથાકૂટ ચાલી રહી હોવાનું તેમના પરિજનોની તપાસમાં ખૂલ્યું હતું. વસીમે પોલીસ પાસે ગુનો કબૂલ કર્યો છે. આ ઉપરાંત વસીમના ગળે અને હાથે પ્રાચીના નખના નિશાન મળ્યાં છે. બંનેની ઇજાના નિશાનોની ફોરેન્સિક તપાસ થઈ રહી છે. આ પુરાવા ખૂબ મહત્ત્વના સાબિત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter