અમદાવાદ: જાણીતા ગઝલકાર અને કવિ જલન માતરીનું અમદાવાદમાં ૮૪ વર્ષની વયે અવસાન થયું છે. ખમાસા-જમાલપુર નજીક આવેલા તેમના નિવાસસ્થાનેથી ૨૫મી જાન્યુઆરીએ તેમનો જનાજો એક મસ્જિદ સુધી લઈ જવાયો હતો. ત્યાંથી તેમના જનાજાને ખેડા નજીકના માતર ગામે લઈ જઈ અંતિમવિધિ કરાઈ હતી.
‘શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?, કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.’ આ ગઝલને ગુજરાતી સાહિત્યની અમર ગઝલો પૈકીની એક ગણાય છે. જાણીતા શાયર શયદા (હરજી લવજી દામાણી)થી લઈ જલન માતરીના સમયગાળામાં યોજાતા મુશાયરાઓના સમયગાળાને ગુજરાતી મુશાયરાઓનો સુવર્ણકાળ મનાય છે. તેમની ગઝલના શેરો માત્ર કોઈ એક વિષયને જકડી ન રાખતા. દરેક શેરનો ભાવ બદલતો રહેલો એ જલન સાહેબની ગઝલોની ખાસિયત હતી.