વડોદરાઃ ૧૦મી ઓગસ્ટે વડોદરામાં વરસાદ બાદ જિલ્લા વહીવટી તંત્રને સંભવિત પૂરની સ્થિત સામે સજ્જ કરી દેવાયું છે. જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી અને મહિસાગર નદીમાં સર્જાયેલી પૂરની સ્થિતિના પગલે નદી કિનારાના ૫૧ ગામના લોકોને એલર્ટ કરી દેવાયાં છે. ૯મી ઓગસ્ટે બપોર બાદ કલાકમાં શહેરમાં ૭ ઇંચ વરસાદ ખાબકતાં વડોદરા પાણી પાણી થઈ ગયું હતું. બીજી તરફ આજવા ડેમની સપાટી ૨૧૨ ફૂટ અને વિશ્વામિત્રી નદીની સપાટી ૧૨.૫ ફૂટ છે. શહેર નજીક કરોડિયા તળાવ ભારે વરસાદને પગલે છલકાઈ જતાં પાણી રોડ પર છલકાઈ ગયાં છે. જિલ્લા કલેકટર લોચન શહેરાએ જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશ અને નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પરિણામે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ૩, શિનોર અને કરજણ તાલુકાના ૧૧-૧૧ ગામો સહિત કુલ ૫૧ ગામનાં લોકોને નદી કિનારે ન જવા અને સાવચેતી રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે.