વડોદરાઃ લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ચોથીએ યોજાયેલા 'અવધાન' પ્રયોગમાં જૈન સાધ્વી શ્રીકનકરેખાજીએ યાદશક્તિ અને એકચિત્તથી ચમત્કારિક પ્રયોગ કર્યાં હતાં. સાધ્વીજીએ ધ્યાનસ્થ થઇને કોઇ પણ વ્યક્તિને ઉભા થવા કહ્યું અને પછી તેમને ચાર પાંચ પુસ્તકોમાંથી એક પસંદ કરીને તે પુસ્તકના કોઇ પણ પેજ પર કોઇ પણ એક શબ્દને મનોમન પસંદ કરવાનું કહ્યું હતું.
આશ્ચર્ય વચ્ચે તે વ્યક્તિએ પસંદ કરેલ પુસ્તકનું નામ, પાના નંબર અને વ્યક્તિએ પસંદ કરેલો શબ્દ સાધ્વીજીએ ક્ષણમાં કહ્યો. બીજો પ્રયોગ હતો કે સાધ્વીજીએ એક સ્વયં સેવક દ્વારા પાંચ વ્યક્તિઓને ઘડિયાળ, પેન, ડાયરી, મોબાઇલ અને પર્સ આપ્યા હતા. આ પાંચ વ્યક્તિ સાધ્વીજીની પાછળ ઉભા હતા છતાં સાધ્વીજીએ કેટલા નંબરના વ્યક્તિ પાસે કઇ વસ્તુ છે તે કહી બતાવ્યું હતું.
સાધ્વી કનકરેખાજીએ અવધાન વિશેના પ્રયોગો અંગે કહ્યું હતું કે, સાધના, મંત્રશક્તિ, એકાગ્રતા અને યાદશક્તિનો સરવાળાથી 'અવધાન' શક્ય બને છે.
કનકરેખાજી આચાર્ય શ્રી મહાશ્રમણજીના શિષ્યા રહી ચૂક્યાં છે તેઓએ ૨૦ વર્ષની આયુમાં દીક્ષા ગ્રહણ કરી હતી. આજે તેઓની ઉંમર ૬૭ વર્ષ છે અને ૪૭ વર્ષના સાધુ જીવનમાં તેઓએ દેશભરમાં ભ્રમણ કર્યું છે. તેઓ અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ કરતાં વધુ કિ.મી. પગપાળા ચાલી ચૂક્યા છે.