વડોદરાઃ વડતાલ સ્વામિનારાયણ સુવર્ણ મંદિરમાં વર્તમાન ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ અને જૈન ગચ્છાધિપતિ આચાર્ય વિજય અભયદેવ સૂરિશ્વરજી મહારાજના નેતૃત્વ હેઠળ સાધુ સંતો અને જૈનાચાર્યોના અનોખા મિલનનો ઐતિહાસિક કાર્યક્રમ ૨૦મીએ યોજાયો હતો.
આ ઉપરાંત મુસ્લિમ ગૃહસ્થ દ્વારા સ્વલિખિત શિક્ષાપત્રીને જૈન સંપ્રદાય દ્વારા મંદિરને અર્પણ કરાઈ હતી. અલબત્ત, તેની સામે જૈન શાસનનું એક શાસ્ત્ર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આવી જ રીતે લખાવીને આગામી દિવસોમાં અર્પણ કરવાનો સંકલ્પ પણ લેવાયો હતો. જૈનમુનિ ગચ્છાધિપતિ આચાર્ય વિજય અભયદેવ સૂરિશ્વરજી મહારાજ, નૂતન આચાર્ય ભગવંત વિજય મોક્ષરત્ન સૂરિશ્વરજી અને જૈન અગ્રણીઓ પાલખીમાં સુવર્ણ શાહીથી હસ્ત લિખિત શિક્ષાપત્રીની પ્રત લઇને મંદિરમાં પધાર્યા હતા. વડતાલ મંદિરના ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશદાસજી, મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશ દાસજી, નૌતમપ્રકાશદાસજીએ વિવિધ ધર્મના સંતો તથા સંપ્રદાયના આગેવાનોની હાજરીમાં સુવર્ણ શિક્ષાપત્રીનો સ્વીકાર કર્યો હતો.