ઝાલોદઃ મધ્ય ગુજરાતના ઝાલોદ તાલુકાના ઠુઠીકંકાસિયા ગામમાં રહેતા ભીમભાઇ ગરાસિયાનું તાજેતરમાં નિધન થયું હતું. તેમની લૌકિક ક્રિયા દરમિયાન ૨૩મી ઓગસ્ટે બારમાની વિધિ કરાઈ હતી. આ વિધિના ભાગરૂપે ભીમભાઈનાં પરિવારના કેટલાક સભ્યો ગામમાં આવેલી અનાસ નદીમાં ભીમભાઈનાં અસ્થિ પધરાવવા માટે ગયાં હતાં. ૫૦ વર્ષીય ભરતભાઇ જીથરા ગરાસિયા અને ૪૮ વર્ષીય કડકીયાભાઇ ગરાસિયાએ ત્યારે નદીમાં ધુબાકો માર્યો હતો. અનાસ નદીનો પ્રવાહ ત્યારે અચાનક વધી ગયો હતો ત્યારે ભરતભાઇ તટે આવી ગયા હતા જ્યારે કડકીયાભાઇનું નદીમાં ડૂબીને મોત થયું હતું. આ જ દિવસે ૨૩મી ઓગસ્ટે અન્ય ચાર જણા ભીમજીભાઇ ગરાસિયા, વાલસિંગ ગરાસિયા, કાળુભાઇ ભાભોર અને મખજીભાઇ પારગી અનાસ નદીમાં સ્થાનિક અને ઉપરવાસથી વધારો થયેલા પાણીમાં સપડાઈ ગયા હતા. તેમને બચાવવા માટે લુણાવાડાથી એનડીઆરએફની ટીમને બોલાવી લેવાઇ હતી પરંતુ ટીમ પહોંચે તે પહેલાં જ ચારેય ભારે પાણીમાં તણાઈ ગયાં હતાં.