વડોદરાઃ સ્થાનિક ઇન્કમટેક્સ વિભાગના ઇન્વેસ્ટીંગેશન વિંગે પાંચમીએ નડિયાદ-આણંદના ઝવેરાત જવેલર્સ તથા નડિયાદના સહજાનંદ ગોલ્ડના સંચાલકો પર સર્વે હાથ ધર્યો હતો. જેમાં નડિયાદના સહજાનંદ ગોલ્ડ (જ્વેલર્સ)ના સંચાલકો ૮મી નવેમ્બરથી ૨૩ નવેમ્બર સુધીના માત્ર ૧૫ દિવસમાં એક કરોડ નહીં પણ રૂપિયા ૧૫ કરોડનું ગોલ્ડ વેચી નાંખ્યું હોવાનું દર્શાવ્યું છે. જોકે આઇટીના અધિકારીઓની તપાસમાં સંચાલકોએ સોનું વેચ્યા વગર માત્ર કાગળ પર ખોટા સ્ટોક અને વેચાણના રેકોર્ડ ઉભા કરીને રૂપિયા ૧૫ કરોડના પૈસાની હેરાફેરી કરી છે તેવી શંકા સેવાઈ રહી છે.
આશ્વર્યની વાત છે કે નડિયાદના સહજાનંદ ગોલ્ડ (જ્વેલર્સ)ના સંચાલકોનું વાર્ષિક ટન ઓવર રૂ. ૩૦ લાખની આસપાસ છે. આ બાબતને તેમણે પોતાના રિટર્નમાં પણ દર્શાવી છે. રૂ. ૩૦ લાખનું ટર્નઓવર ધરાવતી વ્યકિત માત્ર ૧૫ દિવસમાં ૧૫ કરોડનું સોનું કેવી રીતે વેચી શકે આ બાબત આઇટી અધિકારીઓને ગળે ઉતરતી નથી.