વલ્લભ વિદ્યાનગરઃ જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર થતાં જ અનેક વ્યવસાયો તેમજ મૂડીરોકાણ માટે અઢળક તકો ઉપલબ્ધ થઈ છે. આવા સમયે વિશ્વખ્યાત ટેસ્ટ ઓફ ઇન્ડિયા ‘અમૂલ’ બ્રાન્ડે પણ જમ્મુમાં દૂધ અને ડેરી પેદાશોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપવાની દિશામાં પ્રયાસો હાથ ધર્યા હોવાના અહેવાલ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક એન્ડ માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) દ્વારા સ્થાનિક જમ્મુ-કાશ્મીર દૂધ ઉત્પાદક સહકારી લિમિટેડ સાથે સહયોગ સાધીને દૂધના વ્યવસાયનું વિસ્તરણ કરવાના પ્રયત્નો આદર્યા છે. જીસીએમએમએફ કાશ્મીરમાં આગવું સ્થાન ધરાવતી જમ્મુ- કાશ્મીર દૂધ ઉત્પાદક સહકારી લિમિટેડ (જેકેએમપીસીએલ) સાથે સહયોગ કરીને ‘અમૂલ’ બ્રાન્ડને કાશ્મીરવાસીઓ સુધી પહોંચાડવા કટિબદ્ધ બન્યું છે. જેકેએમપીસીએલે આગામી ૨૦૨૪-૨૫માં રૂ. ૧૧૫ કરોડના વાર્ષિક ટર્નઓવરનો લક્ષ્યાંક રાખ્યો છે. હાલમાં ત્યાં ૧૮૦ લાખ કિલોલીટર વાર્ષિક દૂધની ખરીદી છે. હાલ સ્થાનિક કક્ષાએ બે દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ જેકેએમપીસીએલે શરૂ કર્યા છે. હવે તે આઇસ્ક્રીમ અને પનીરના પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જીસીએમએમએફના ઉચ્ચ સત્તાધિશોએ આ મુદ્દે જમ્મુ-કાશ્મીર દૂધ સંઘ બોર્ડના સભ્યો, ગવર્નર સત્યપાલ મલિક અને ચીફ સેક્રેટરીને મળીને ડેરીનો ગ્રોથ વધારવા ચર્ચા પણ કરી છે.