“સાવ ખાલી હાથે પણ,
આલીશાન જીવ્યો છું.
મેં સતત ઝલ માફક
જિંદગી મઠારી છે"
પંક્તિઓના રચયિતા શાયર શ્રી ખલીલ ધનતેજવીએ ૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ સંસ્કાર નગરી વડોદરા ખાતે ૮૫ વર્ષની વયે અંતિમ વિદાય લેતા સાહિત્ય વર્તુળ અને એમના વિશાળ ચાહક વર્ગમાં સન્નાટો છવાઇ ગયો. શાયર ખલીલસાહેબના અવસાનની જાણ થતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યું છે કે, “ ગુજરાતના સુવિખ્યાત કવિ, લેખક, ગઝલકાર ખલીલ ધનતેજવીના અવસાનથી હું દુ:ખ અનુભવું છું. ગુજરાતી ગઝલને રસપ્રદ બનાવવામાં હંમેશા તેમનું યોગદાન યાદગાર રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ગઝલપ્રેમી ચાહક વર્ગને સાંત્વના. ઓમ શાંતિ:”
વડોદરા જિલ્લાના સાવલી પાસેના ધનતેજ ગામમાં ૧૨ ડિસેમ્બર ૧૯૩૫માં જન્મ. એમના દાદા તાજમહેમદે એમનું નામ "ખલીલ" રાખ્યું હતું. ખલીલ સાહેબે પોતાની અટક બદલી ગામના નામ પરથી ધનતેજવી રાખી હતી. તેઓ પાંચ વર્ષના હતા ત્યારે પિતા ઇસ્માઇલનું અવસાન થયું હતું. બાળપણ ખૂબ જ મુશ્કેલીઓ, પડકારો અને સંઘર્ષ વચ્ચે વીત્યું હતું. માત્ર ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો પરંતુ એમની ગઝલોમાં મધમધતી ગુજરાતી અને ખીલતી ઉર્દૂ અનુભવી શકાય છે. ખેતરના શેઢેથી ગઝલના શિખર સુધી અને ફિલ્મના પરદા સુધી પહોંચવાની એમની રોમાંચક કથા હ્દયસ્પર્શી છે. સદ્ગત લેખક, તંત્રી અને સંપાદક પણ રહી ચૂક્યા છે. સામાજિક મુદ્દાઓ પર નીડર લખાણો લખ્યા છે. ફિલ્મો લખીને નિર્દેશિત પણ કરી છે. મુશાયરાઓ જમાવ્યા છે.
દિલમાં ઉઠતાં લાગણીઓના ઘોડાપુરને તેઓ ગઝલોના આકાશમાં એવી રીતે ફેલાવી દેતા કે, કોઇ માતા પોતાના પુત્રને તડકાથી બચાવવા પ્રેમભર્યો પાલવ પાથરતી હોય. જાણીતા ગઝલ ગાયક જગજીત સિંહના કંઠે એમની ગઝલો ગવાઇ છે અને શ્રોતાજનોની ભારે દાદ મેળવી છે. “તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે! તમાચો ખાઇ લઉં, આ ગાંધીગીરીના નામ પર હું, પણ આ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે!...આ ગઝલના એક એક શેરે આખા ને આખા મુશાયરાને લૂંટી લીધા છે.
એમની ગઝલોમાં મહોબ્બતનો ઇઝહાર છે. પ્રેમની પ્યાસ છે. એમના શેરોમાં એક જિદ્દી આશિકનો બેફિકરો અંદાજ છે. ખુદ્દારી અને ખુમારી છે. આશ્ચર્યની વાત તો એ છે કે એમની ગઝલો કાગળની મોહતાજ નથી. પોતાના મગજમાં ગઝલોનો પટારો ભરી રાખ્યો છે જે મુશાયરામાં ખુલે છે અને ખીલે છે.
“ખલીલ આ મહેફિલોમાં કાલે આવું કે ના આવું, ફરક શું પડશે, કોઇના અહીં હોવા ન હોવાથી, રગેરગને રોમરોમથી તૂટી જવાય છે તોપણ મઝાની વાત છે કે જીવી જવાય છે. ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ, આ તો હ્દયની વાત છે, હાંફી જવાય છે...”
એમને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર, ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર અને ૨૦૧૯માં નરસિંહ મહેતા પુરસ્કાર વગેરે પ્રતિષ્ઠિત એવોર્ડસ મળ્યા છે.
એમના ગઝલ સંગ્રહો: સાદગી, સારાંશ, સરોવર, સોગાત, સૂર્યમુખી, સાયબા, સાંવરિયો, સગપણ, સોપાન અને સારંગી છે.
એમની નવલકથાઓ: ડો. રેખા, તરસ્યા એકાંત, મીણની આંગળીએ સૂરજ ઉગ્યો, લીલા પાંદડે પાનખર, સન્નાટાની ચીસ, સાવ અધૂરા લોક, લીલોછમ તડકો વગેરે છે.
ખલીલ સાહેબની યુ.કે. મુલાકાત: એક સંભારણું
૨૦૦૧માં ગુજરાતી ગઝલના લોકપ્રિય શાયરો શોભિત દેસાઇ, જલન માતરી, આદિલ મનસૂરી સાથે ખલીલ ધનતેજવી પણ આવ્યા હતા. બર્મિંગહામ, બાટલી, બ્લેકબર્ન, લંડન અને લેસ્ટર વગેરે શહેરોમાં એનું આયોજન થયું હતું જેમાં સ્થાનિક શાયરો અદમ ટંકારવી, પ્રફુલ્લ અમીન, કવિ પંકજ વોરા, બાબર બંબુસરી, એહમદ "ગુલ", વસુબેન ગાંધી, તિતિક્ષા શાહ આદીએ પણ ભાગ લઇને એ મુશાયરાને અવિસ્મરણીય બનાવ્યો હતો. લંડનનો મુશાયરો ગુજરાત સમાચારે સ્પોન્સર કર્યો હતો એની ટિકિટો તો એની જાહેરાત થતા જ ચપોચપ વેચાઇ ગઇ હતી. શાયરોની એ ટૂરમાં અમારા તંત્રીશ્રી સી.બી.પટેલ સાથે અમે સજોડે સામેલ થયા હતા. આ લેખનો સમાવેશ મેં મારા પુસ્તક “જીવન એક સૂર અનેક”માં પણ કર્યો છે. જીવનનો એ અવિસ્મરણીય અનુભવ હતો. આ મુશાયરાના મુકુટ સમાન શોભિત દેસાઇએ એનું સંચાલન કર્યું હતું.
ખલીલ ધનતેજવી આપણા લંડનના નાટ્ય કલાકાર શ્રીમતી રશ્મિબહેન અમીનના પિતાશ્રી કનુભાઇના ખાસ મિત્ર હોવાના નાતે લંડન આવ્યા ત્યારે રશ્મિબહેનના પણ મહેમાન બન્યા હતા. ખલીલ ધનતેજવીની ગઝલો આપણા સૌના હ્દયમાં હરહંમેશ જીવતી રહી એમની હાજરીનો અહેસાસ કરાવતી રહેશે.
ખલીલ સાહેબ એમના ચાહકોના દિલમાં અમર થઇ ગયા છે. એમની લખેલ પંક્તિઓ સદા -સર્વદા ગૂંજતી રહેશે અને એમની હાજરીનો મહેસૂસ કરાવતી રહેશે. “વાત મારી જેમને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી" -ખલીલ ધનતેજવી.