નવસારી: ગણદેવી નજીક દુવાડા ગામની સીમમાં ૩૧મી ડિસેમ્બરે મુંબઇથી વડોદરા જતી કારના ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતાં કાર રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રકની પાછળના ભાગમાં ધડાકાભેર અથડાઈ હતી. કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં એક એનઆરઆઇ સહિત બે યુવાનના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. આ અકસ્માતમાં એકને ગંભીર ઇજા થતાં નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વડોદરામાં આવેલા શ્રેયાનગરના ઇલોરાપાર્કમાં રહેતા કાર્તિક હિતેનભાઇ પટેલ (૩૫) વડોદરામાં રહેતા મિત્ર ચિરાગસિંહ સંગ્રામસિંહ રાણા સાથે મામાના દીકરા અને શિકાગોમાં સ્થાયી થયેલા મિલવ હેમંતભાઇ પટેલ (૩૬)ને મુંબઇ એર પોર્ટ ઉપર લેવા માટે ફોક્સવેગન કાર લઇને ગયા હતા. મિલવ, કાર્તિક અને ચિરાગ વડોદરા પાછા આવી રહ્યા હતા ત્યારે કાર્તિકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતાં કારની આગળની સાઇડનાં ફુરચેફુરચા ઉડી ગયા હતા. કારની આગળની સીટ પર બેઠેલા મિલવ અને ડ્રાઇવિંગ કરતા કાર્તિકના ઘટનાસ્થળે મોત થયાં હતા. પાછળની સીટમાં બેઠેલા ચિરાગને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.