અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ અને હવાઈ માર્ગે મુખ્ય શહેરો સાથે જોડાયા બાદ હવે ડિસેમ્બર અંત સુધીમાં રેલવે નેટવર્ક સાથે પણ જોડાઈ જશે. હાલ કેવડિયા સુધીની રેલવે લાઈનની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે અને ડિસેમ્બર બાદ વડોદરાથી કેવડિયા સુધી સીધી ટ્રેન સેવા શરૂ કરી દેવામાં આવશે.
રેલવે બોર્ડના ચેરમેન વી. કે. યાદવે ૩જીએ જણાવ્યું કે, વડોદરાથી કેવડિયા સુધી ૮૦ કિમીના રૂટમાં વડોદરાથી ડભોઈ સુધી ૩૦ કિમી લાંબી બ્રોડગેજ લાઈન પહેલાંથી જ છે જ્યારે ડભોઈથી ચાણોદ સુધી ૧૯ કિમી નેરોગેજ લાઈન હતી જેને ગેજ કન્વર્ઝન બાદ બ્રોડગેજમાં ફેરવવામાં આવી છે અને આ કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.
આ રૂટ પર ૩ મોટા અને ૧૬ નાના બ્રિજની કામગીરી પણ પૂર્ણ કરી દેવાઈ છે. ચાણોદથી કેવડિયા સુધી ૩૨ કિમી રૂટ પર જમીન સંપાદન કર્યા બાદ નવી રેલવે લાઈન પણ નાખવામાં આવી રહી છે. આ ૩૨ કિમીના રૂટ પર ૪ મોટા અને ૪૭ નાના બ્રિજ બની રહ્યાં છે. આ કામગીરી પણ નવેમ્બરમાં પૂર્ણ કરી દેવાશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લગભગ પાંચ કિમી દૂર રૂ. ૨૦ કરોડના ખર્ચે રેલવે સ્ટેશન બનાવાશે તેમાં વાઈફાઈ, રેસ્ટ રૂમ, વીઆઈપી એક્ઝિક્યુટિવ લોન્જ, એસ્કેલેટર સહિતની સુવિધાઓ હશે.