ડભોઈઃ એશિયામાં પ્રથમ ક્રમાંકનું નેરોગેજ રેલવે સ્ટેશન અને તેના પર દોડતી એક માત્ર ડભોઈ-ચાંદોદ ટ્રેન ૨૫મી મેથી ભૂતકાળ બની જશે. નેરોગેજનું બ્રોડગેજમાં રૂપાંતર કરવાની કાર્યવાહી આરંભાશે અને તે સાથે ૧૩૦ વર્ષનો ભાતીગળ ઈતિહાસ ધરાવતી નેરોગેજ ટ્રેન નામશેષ થઈ જશે.
એક સમય હતો કે ડભોઈ જંક્શનની ચારેબાજુ નેરોગેજ ટ્રેનો દોડતી હતી અને વેપાર-ધંધાની પૂરક હતી. કાળક્રમે બ્રોડગેજનો વપરાશ વધ્યો, વધુ ઝડપી ટ્રેનો શરૂ થઈ અને નેરોગેજનો મૃત્યુઘંટ વાગવા માંડ્યો હતો.
એક વખતનું ધંધા-રોજગારથી ધમધમતું ડભોઈ પણ તેની ઝપટમાં આવી જતાં ડભોઈનો વિકાસ રૂંધાયો અને ડભોઈવાસીઓ ધીરે ધીરે અન્ય શહેરોમાં જઈ વસી ગયા. રેલવે તંત્રના બિનગુજરાતી વહીવટકર્તાઓની નિક્ષેપતાને કારણે ડભોઈના વેપાર-ધંધાને ગ્રહણ લાગી ગયું અને આખું માળખું તૂટવા માંડ્યું. ડભોઈ અને નેરોગેજ રેલવે એકબીજાના પૂરક હતા. ડભોઈમાં કપાસના અનેક જીન હતા, કાચા માલના અનેક વેપારીઓ હતા, પરંતુ ટ્રેનો ઘટતી ગઈ તેમ વેપારવણજ ઘટતો ગયો. નેરોગેજ રેલવે ડભોઈની ધોરી નસ સમાન હતી. તેમાંય યાત્રાધામ ચાંદોદને જોડતી નેરોગેજ ટ્રેનના ચારથી પાંચ શિડ્યુલ હતા, પરંતુ ક્રમશઃ ઘટના એક ટ્રેન ચાલુ હતી હવે તે પણ ૨૫મીથી બંધ કરાતા બાપુગાડી ભૂતકાળ બની જશે.
ડભોઈ નેરોગેજનો ઈતિહાસ અનોખો છે. ડભોઈમાં સૌ પ્રથમ આ ટ્રેન શરૂ થઈ હતી અને તે વખતના જમાનામાં આઠ એપ્રિલ ૧૮૭૩ના દિને મહારાજ મલ્હારાવ ગાયકવાડે લીલીઝંડી આપી હતી અને આશ્ચર્ય થાય તેવી વાત છે કે ટ્રેનનો ડબ્બો એન્જિન વગર બળદો દ્વારા પણ ૧૯૬૩માં દોડાવાતો હતો. આજના આધુનિક યુગમાં આ નેરોગેજ જંક્શનનો સુવર્ણ ઈતિહાસ છે. ડભોઈથી બળદો દ્વારા ગાડી ખેંચાવામાં આવતી સ્ટીમ એન્જિન અને ત્યારબાદ ડીઝલ એન્જિન આવ્યા હતા.
ગાયકવાડી રાજથી ૬ લાઈન પર દોડતી ટ્રેનો ડભોઈ વડોદરા ડભોઈ, છોટાઉદેપુર મીયાંગામ, ડભોઈ, ચાંદોદ, ટીંબા તલખણા આમ છ લાઈન પર દોડતી ટ્રેનોમાં હાલ વડોદરા ડભોઈ છોટા ઉદેપુર બ્રોડગેજમાં ફેરવાઈ છે.
બાકીની લાઈનો બ્રોડગેજમાં ફેરવવાની કામગીરી ચાલુ થનાર છે તેમાંય ડભોઈ, ચાંદોદ બ્રોડગેજનું કામ ટૂંક સમયમાં શરૂ થનાર હોઈ આગામી ૨૫મી મેથી ડભોઈ-ચાંદોદ નેરોગેજ બંધ થતા ઈતિહાસ બની જશે.