નડિયાદઃ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર લોકડાઉન બાદ ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું, પરંતુ કોરોનાના કેસ વધવાના કારણે ૨૦મી જુલાઈથી મંદિરમાં ભક્તો માટે પ્રવેશબંધી કરાઈ હતી. ત્યારબાદ એક માસ પછી એટલે કે ૧૯ ઓગસ્ટના રોજ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. જેમાં રજિસ્ટ્રેશન થયેલા ભક્તોને સરકારની ગાઈડલાઈન મુજબ મંદિરમાં પ્રવેશ અપાયો હતો. એક હજાર જેટલા દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો.
લોકડાઉન બાદ અનલોકમાં સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્યના યાત્રાધામ મંદિરોની સાથે સાથે ડાકોર રણછોડરાયજીના મંદિરના દ્વાર ખોલાયા હતા અને કોવિડની ગાઈડલાઈન પ્રમાણે ભક્તોને પ્રવેશ અપાતો હતો, પરંતુ કોરોનાને લીધે મંદિરમાં ભક્તો માટે પ્રવેશબંધી કરાઈ હતી. મંદિરમાં બંધ બારણે ભગવાનને નિત્ય સેવાપૂજા અને ઉત્સવ તથા તહેવાર ઉજવાતા હતા. મંદિરના મેનેજમેન્ટ દ્વારા મંદિર બંધના એક માસ પછી ૧૯મી ઓગસ્ટે ભક્તો માટે રણછોડ મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા. રજિસ્ટ્રેશન કરવામાં આવેલા ભક્તોને સરકારની ગાઈડલાઈન મુજબ થર્મલ ગનથી ચેકિંગ કરાયા પછી જ મંદિર પરિસરમાં પ્રવેશ આપયો હતો. નોંધણી થયેલા ૬૦૦ અને ડાકોરના ૪૦૦ જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
એક માસ બાદ મંદિર ‘જય રણછોડ, માખણચોર’ના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. ભક્તોએ રાજાધિરાજ રણછોડરાયજીનાં દર્શન કરીને અતિ ધન્યતા અનુભવી હતી.