અમદાવાદઃ હોળી નિમિત્તે પ્રસિદ્ધ તીર્થધામ ડાકોર ખાતે રણછોડરાયજીના દર્શનાર્થે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટવાનું હોળીના તહેવારે શરૂ થઇ ગયું હતું. હોળીના દિવસે ભગવાન રણછોડના દર્શનાર્થે નીકળેલા પદયાત્રીઓના કારણે ડાકોરના માર્ગો 'જય રણછોડ...'ના જયઘોષથી
ગૂંજી ઉઠયા હતા. રવિવારની રજાને લીધે ૨૦મી માર્ચે મોટા પ્રમાણમાં સંઘોએ ડાકોર તરફ પ્રસ્થાન કર્યું હતું.
અમદાવાદથી મોટી સંખ્યામાં પદયાત્રાળુઓ જાય છે ત્યારે સેવા કેન્દ્રમાં પણ પદયાત્રાળુઓની સેવા માટે અમદાવાદના શ્રદ્ધાળુઓ ખડેપગે હોય છે. હોળી-ધૂળેટીના પવિત્ર તહેવાર નિમિત્તે ડાકોરના ભગવાન રણછોડરાયજીના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે ૧૯થી ૨૧ માર્ચ દરમિયાન કનીજ પાસે આવેલા આમશરણ ગામમાં મોટા ભંડારાનું આયોજન હતું. કનીજ પાસે આમશરણ ગામ પાસે છેલ્લા ૨૪ વર્ષથી ભંડારો યોજાય છે.
ડાકોરમાં કમાન્ડો તેનાત
ડાકોર મેળામાં સુરક્ષા માટે જિલ્લા પોલીસની સાથે ચેતક કમાન્ડો પણ અગાઉથી જ તેનાત કરી દેવાયા હતા.
ઉપરાંત, યાત્રાધામ ડાકોર તરફ પદયાત્રીઓનું પ્રયાણ સતત ચાલી રહ્યું હતું તેથી માર્ગ પર પદયાત્રીઓની સુરક્ષા માટે જિલ્લા પોલીસ દ્વારા સતત ડ્રોન અને કમાન્ડો દ્વારા નજર રખાઈ રહી હતી. ડાકોરના માર્ગે જિલ્લા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી હતી અને હોળીના બે દિવસ પહેલાંથી જ નગરમાં ચાંપતો બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો.