નડિયાદ: શરદ પૂર્ણિમાએ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં દર્શન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો નિયમ પડતો મૂકીને ભક્તોને સીધો પ્રવેશ આપવો પડ્યો હતો. લગભગ ૨૩ હજાર શ્રદ્ધાળુ ઉમટી પડતાં મંદિર બહાર એક કિલોમીટર લાંબી લાઈન જોવા મળી હતી. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે કેટલાક લોકો રજિસ્ટ્રેશન માટે રૂ. ૧૦-૧૦ પડાવતા હોવાનો આક્ષેપ થયો હતો. અંતે આ પ્રક્રિયા બંધ કરી લોકોને સીધા દર્શન કરવા જવા દેવામાં આવ્યા હતા. પૂનમે ડાકોરમાં દર્શનાર્થીઓનું ઘોડાપુર આવતાં પોલીસને ટ્રાફિક નિયંત્રણ અને દર્શન માટે લાઈન સાચવતાં ભારે મુશ્કેલી પડી હતી. ડાકોર મંદિરથી એક કિ.મી. દૂર સુધીની કતાર જોવા મળી હતી.
બીજી બાજુ ડાકોરમાં દર્શનાર્થીઓને ભગવાનના દર્શન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની હાટડીઓ પણ ચાલુ થઈ ગઈ હતી. જેમાં વ્યક્તિ દિઠ રજિસ્ટ્રેશનના ૧૦ રૂપિયા વસૂલવામાં આવતાં હતાં. આખરે તંત્રએ લોકોની ભીડને જોતાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરી હતી અને દર્શનાર્થીઓને સીધા જ મંદિરમાં દર્શન માટે મોકલવામાં આવ્યાં હતાં.