વડોદરાઃ વડોદરામાં એક બહુચર્ચિત ઉદ્યોગપતિની ધરપકડ થઇ છે. જાન્યુઆરીમાં અહીં યોજાયેલા વડફેસ્ટના મુખ્ય સૂત્રધાર અને ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અમિત ભટનાગરની કરોડો રૂપિયાની ડ્યૂટી ચોરીના મામલે સેન્ટ્રલ એક્સાઈઝ વિભાગે સોમવારે ધરપકડ કરી છે. જોકે, પછી તેમને કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા. વિભાગે તેમણે કોર્ટમાં રજૂ કરીને ચોરીની મનાતી રૂ. ૪૦ કરોડની વસૂલાત માટે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ એકસાઈઝ વિભાગે તાજેતરમાં આ કંપની પર ડ્યુટી ચોરીના આરોપ હેઠળ દરોડા પાડ્યા હતા. જેમાં બોગસ બીલો બનાવીને સપ્લાય થયેલા કરોડો રૂપિયાના મુદ્દામાલની ડ્યુટી ભરવામાં આવી નહી હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.
કરમસદ પાટીદાર સમાજ સ્નેહ સંમેલન યોજાયું
કરમસદ પાટીદાર સમાજનું સ્નેહ સંમેલન ૨૨ ફેબ્રુઆરીએ કરમસદ કેળવણી મંડળના પટાંગણમાં યોગેન્દ્રભાઈ નટુભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયું હતું. આ પ્રસંગે સંમેલનના સહયોગી તથા દાતા સૂર્યકાંતભાઈ શંભુભાઈ પટેલે (જેક્સન) સહુનું સ્વાગત કર્યું હતું. આણંદના સાંસદ દિલીપભાઈ મણીભાઈ પટેલે આ આયોજનને બિરદાવ્યું હતું. આ સ્નેહસંમેલનમાં જુદા જુદા ક્ષેત્રમાં જે લોકોએ પોતાનું યોગદાન આપ્યું હતું તે સહુંનું શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું.