વડોદરાઃ કારેલીબાગ વિસ્તારની મોબાઇલ શોપમાંથી ૧૭ વ્યક્તિઓએ બનાવટી દસ્તાવેજ રજૂ કરીને લોનથી મોબાઇલ ખરીદ્યા હતા. જોકે મોબાઇલ ખરીદ્યા પછી હપ્તા નહીં ચૂકવાતાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. વડોદરાના અકોટામાં આવેલા હોમ ક્રેડિટ ફાઇનાન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિ.ના મેનેજર અંકિતભાઈ તુનારાએ ફરિયાદમાં જણાવ્યું કે, ઇલેક્ટ્રોનિક ઉપકરણ ખરીદવા અમે જરૂરિયાતમંદ ગ્રાહકોને લોન આપીએ છીએ અને તે લોન વિવિધ ડિલર્સ અને દુકાન માલિક સાથે કંપનીના ધારાધોરણ તથા નીતિ-નિયમ મુજબ કરાર પછી ગ્રાહકને મળે છે. ગ્રાહકની વ્યક્તિગત ઓળખ, પુરાવા અને આઈડી પ્રૂફની ચકાસણી બાદ લોન અપાય છે, પણ ૧૭ ગ્રાહકોએ ડુપ્લિકેટ આઇડી પ્રૂફ રજૂ કરીને મોબાઇલ ખરીદ્યા છે. જેથી તેમની સામે પોલીસ ફરિયાદ કરાઈ છે.