ભાદરણઃ ભાદરણનાં વતની અલ્પાબેન પટેલે બીએ સુધી અભ્યાસ કર્યો છે. તેમણે ૨૦૦૦માં નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘ નામની સંસ્થા શરૂ કરી હતી. તેઓ મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરે છે. અલ્પાબેન કહે છે કે મારા પતિ સમીરનો આ કામમાં મને સાથ મળ્યો અને અમે સમાજના તરછોડાયેલા, દુઃખી, નિઃસહાય લોકો માટે કંઈક કરવાનું બીડું ઝડપ્યું. આ કામ માટે આણંદ રેલવે સ્ટેશનની એક ઘટના દ્વારા પ્રોત્સાહન મળ્યું હતું.
એક દિવસ જાણવા મળ્યું કે આણંદ રેલવે સ્ટેશન પર એક બિનવારસી લાશ પડી છે. એની અંતિમક્રિયા કોણ કરશે? એની ચિંતા થઈ આવી. તેમને થયું કે, ‘કેમ આપણે જ આ કામ ન કરીએ?’ એ દિવસથી આણંદમાં બિનવારસી મૃતદેહને અગ્નિદાહ આપવાનું કામ અલ્પાબેન અને તેમની ટીમ કરે છે. અલ્પાબેન લાઇફ ઇન્શ્યોરન્સનું કામ કરે છે, પણ તેઓ સમાજસેવી પણ છે. આણંદ રેલવે ગોદી પાસે આવેલા રોશન પ્લાઝામાં અલ્પાબેન અને તેમના પતિ સમીરભાઈએ સંસ્થા શરૂ કરી હતી. અત્યાર સુધીમાં અલ્પાબેન અને તેમની ટીમે ૨૬૦ જેટલા બિનવારસી મૃતદેહોની અંતિમક્રિયા કરી છે.
આ ઉપરાંત તેઓ લાચાર નિરાધારને સહાયનું કામ પણ કરે છે. એક વૃદ્ધાને ભિખારી સમજીને લોકો ખાવાનું આપતાં કે ભીખમાં તેને રૂપિયો-બે રૂપિયા આપતાં. સૌને સવાલ થતો કે આ ડોશીમા કોણ છે? અલ્પાબેન આ ૬૬ વર્ષની વૃદ્ધા પાસે બેસતાં અને તેમને પૂછતાં કે તે કોણ છે? વૃદ્ધા નાપાડ, ઓડ, કંથારિયા ગામોના નામ દેતાં. એમને આ ગામ લઈ જવાનું કહેતાં તો ઉશ્કેરાઈને ના પાડતાં. અંતે તેમને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વ્યવસ્થા પણ વિચારી. આવા તો કેટલાય સુકાર્યો કરનારા અલ્પાબેન કહે છે કે અભ્યાસકાળથી જ મને સમાજને મદદરૂપ થઈ શકાય એવા કાર્યો કરવાની ઇચ્છા હતી, પણ તર્કહીન માન્યતાઓને પ્રોત્સાહન આપવામાં મને જરાય રસ નથી.