આણંદ: ખંભાતમાં મંજૂરી વિના યોજાયેલા તાજિયા જુલૂસમાં સંડોવાયેલા તમામ આરોપીના પાસપોર્ટ રદ કરવાની કાર્યવાાહી કરાઈ છે અને નવ આરોપીની ધરપકડ કરી છે. ખંભાત શહેર પોલીસે કોરોના સંકટમાં નિષ્કાળજી બદલ ૨૩ આરોપીઓ અને ન ઓળખાયા હોય તેવા ૫૦૦થી વધુ લોકોનાં ટોળાં સામે ગુનો નોંધ્યો હતો. જિલ્લા પોલીસ વડા અજિત રાજીયાણે આરોપીઓના નામ સરનામાં સાથેની યાદી મંગાવી છે. જેનું પાસપોર્ટ ઓફિસ સાથે વેરિફિકેશન કરાશે અને જે લોકોએ પાસપોર્ટ કઢાવ્યા હશે તે તમામના પાસપોર્ટ રદ કરાશે. તથા ભવિષ્યમાં જેઓ પણ પાસપોર્ટ માટે એપ્લાય કરશે તેમને પોલીસ કલીયરિંગ સર્ટીફિકેટ આપતી વખતે પૂરતી ચકાસણી કર્યા બાદ જ પાસપોર્ટ ઇસ્યૂ કરાશે.