વડોદરાઃ વિશ્વયોગ દિનની શરૂઆત કરાવનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે મેડલ અને ટ્રોફીથી સન્માનિત ૨૩ વર્ષીય વિશ્વ ચેમ્પિયન દિવ્યા પરમાર સરકારી નોકરી માટે વલખાં મારે છે. યોગ ક્ષેત્રે ૩ વાર વર્લ્ડ ચેમ્પિયન દિવ્યા ખાનગી શાળામાં યોગશિક્ષિકા છે.
યોગમાં ૩૫ ગોલ્ડ સહિત કુલ ૪૫ મેડલ તથા ૧૫૦ ટ્રોફી મેળવનાર બોરસદ તાલુકાના ખાનપુર ગામની દિવ્યા પરમાર કહે છે કે, '૨૧ જૂને સમગ્ર દેશ અને વિશ્વમાં બીજો વિશ્વ યોગ દિન ઉજવવામાં આવ્યો. ગુજરાત સરકારે પણ મોટાપાયે યોગ દિવસની ઉજવણી કરી, પરંતુ મને આણંદ જિલ્લા કક્ષાએ કે અન્ય કોઇ જગ્યાએ બોલાવાઈ નથી. એથી મને દુઃખ થયું છે. મેં એક ખાનગી કલબમાં કેટલાક લોકોને યોગ શીખવાડીને વિશ્વ યોગ દિનની ઉજવણી કરી હતી. રાજ્ય સરકારે ૨૦૧૩માં યોગ શિક્ષક તરીકે મારા સહિત અન્ય એક યુવતીને કોન્ટ્રાકટ બેઝ પર રૂ. ૧૫ હજારના ફિક્સ પગારમાં નોકરી આપી હતી. જિલ્લા કક્ષાએ રૂ. ૨૫૦૦ના ફિકસ પગારે ૭૦ યોગ ટીચરની નિમણૂક કરી હતી. ૨૦૧૫માં રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટ રિન્યૂ નહીં કરી બધાને છૂટા કરી દીધા. સરકાર એક બાજુ રાજ્ય કક્ષાના યોગ દિનની ઉજવણી કરે છે, પરંતુ ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલમાં એક પણ યોગશિક્ષક નથી.
બોરસદના આરોગ્ય કેન્દ્રમાં જૂના સ્ટાફ કવાર્ટસમાં દિવ્યાનો પરિવાર રહે છે. અઢી વર્ષની ઉંમરે દિવ્યાને તેના પિતા દિનેશભાઇ યોગ શીખવતા હતા. ૧૨ વર્ષની ઉંમરે સ્ટેટ ચેમ્પિયન અને ૧૫ વર્ષની ઉંમરે નેશનલ ચેમ્પિયન બનનાર દિવ્યાને વર્ષ ૨૦૧૩માં અમરેલીમાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ એકલવ્ય એવોર્ડથી સન્માનિત કરી હતી. અગાઉ આનંદીબહેન પટેલે પણ ૨૦૧૧માં સરદાર પટેલ એવોર્ડથી તેને સન્માનિત કરી હતી. ૨૦૦૬માં પ્રથમવાર આર્જેન્ટિનામાં યોજાયેલી વિશ્વ યોગ ચેમ્પિયનશીપમાં પણ તેણે ભાગ લીધો હતો. જેમાં દિવ્યા બે ગોલ્ડ મેડલ સાથે વિશ્વ ચેમ્પિયન બની હતી. હોંગ-કોંગ, મલેશિયા, ચીન, કેનેડા અને જર્મનીમાં પણ યોગ વિશ્વ ચેમ્પિયનશીપમાં તેણે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે.