વડોદરાઃ ભાજપના દિગ્ગજ અને પૂર્વ વડા પ્રધાન દિવંગત અટલ બિહારી વાજપેયીનો વડોદરા સાથે પણ દાયકાઓ જૂનો નાતો છે. વાજપેયી જ્યારે ભારતીય જનતા પાર્ટી જનસંઘ સ્વરૂપે હતી ત્યારથી વડોદરાની મુલાકાતે આવતા હતા. તેમની વડોદરાની મુલાકાતો વખતે એમ એસ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર મુકુંદ શાહ તેમની સાથે રહેતા, મુકુંદ શાહે વાજપેયીના મરણ પ્રસંગે જૂની યાદો તાજી કરતાં જણાવ્યું હતું કે, ૭૦ અને ૮૦ના દાયકામાં તો પાર્ટી પાસે પૈસાના પણ ફાંફા હતા. વાજપેયીજી ટ્રેનમાં વડોદરા આવતા અને ટ્રેનમાં પાછા દિલ્હી જતા. એક વખત રાતે અઢી વાગ્યે વડોદરાથી તેમને ફ્રન્ટિયર મેલમાં દિલ્હી જવાનું હતું.
ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે પર આવવાની હતી. આખો દિવસ કાર્યકર્તાઓને મળીને થાકી ગયેલા વાજપેયીજીને અમે ગણતરીના ત્રણ ચાર જણા રેલવે સ્ટેશન મૂકવા માટે ગયા હતા.
પ્લેટફોર્મ નંબર બે પર પહોંચતા જ તેમણે ખાલી બાંકડો જોયો અને તેના પર જ લંબાવી દીધું હતુ. ટ્રેન આવી ત્યાં સુધી એમણે એ સાદા બાંકડા પર ઊંઘ ખેંચી લીધી હતી. જોકે ટ્રેનમાં ચડ્યા એ પછી ટ્રેન રોકાઈ ત્યાં સુધી ટ્રેનના દરવાજે ઉભા રહીને અમારી સાથે વાતો કરી હતી.
અમે તેમને કોચની અંદર જતા રહેવાનો બહુ આગ્રહ કર્યો હતો, પણ તેઓ ટ્રેન ઉપડી નહી ત્યાં સુધી અમારી સાથે જ ઉભા રહ્યા હતા.