વડોદરાઃ કરજણ તાલુકાના અનેક ગામોમાં સેવા કાર્યો કરનારા દાનવીર સલીમ ઇબ્રાઇમ હિટલર પર દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં એક પાકિસ્તાનીએ અંધાધૂંધી ફાયરિંગ કરતાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે હિટલર પરિવાર અને તેમના સમર્થકોમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કરજણ તાલુકાના સાંપા ગામના મૂળ વતની અને છેલ્લા ૧૫ વર્ષથી સાઉથ આફ્રિકાના મલાલેન્ડ સીટીના સમસુસવા વિલેજમાં સ્થાઇ થયેલા સેવાભાવી ૪૫ વર્ષીય સલીમ ઇબ્રાહિમભાઇ હિટલર પર ગત ૨૮ ઓગસ્ટે શુક્રવારની નમાઝ પઢીને બહાર આવતાં સમયે એક પાકિસ્તાનીએ અંધાધૂધ ફાયરિંગ કરી સલીમભાઇના શરીરમાં ત્રણ ગોળીઓ ધરબી દેતાં તેઓ ત્યાંજ પડી ગયા હતા. ફાયરિંગ કરી પાકિસ્તાની ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે સલીમભાઇને તાત્કાલિક સારવાર માટે નેલેસ્પ્રીડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું તેમના નજીકના સંબંધી અને હલદરવા ગામે રહેતા યુસુફભાઇ ચોકવાલાએ જણાવ્યું હતું. સલીમભાઇ પાસેથી માલ ખરીદ્યા પછી આ પાકિસ્તાની શખસ નાણાંની ચુકવણી કરતો ન હતો. બાકીના નાણાંની માંગણી કરતા તેણે અદાવત રાખી સલીમભાઇ પર ફાયરિંગ કર્યું હતું.