હીરાદલાલ રૂ. ૩૦ કરોડના પોલિશ્ડ હીરા સાથે ફરાર
સુરતઃ મુંબઈ અને સુરત હીરા બજાર સાથે સંકળાયેલો એક દલાલ તાજેતરમાં રૂ. ૩૦ કરોડની કિંમતનો પોલિશ્ડ માલ લઈને ફરાર થતાં કારખાનેદાર અને વેપારીઓ ચિતામાં છે. હીરા દલાલે વીસ-પચ્ચીસ જણા પાસેથી વેચવા માટે માલ મેળવ્યો હોવાની બજારમાં ચર્ચા છે. વર્ષોથી કામકાજ કરતો હોવાને કારણે તેની બજારમાં સારી શાખ હતી અને વિશ્વાસ પર સૌ તેને માલ વેચવા માટે આપતાં હતાં. વેચવા માટે માલ લીધા પછી દલાલ હિસાબ પણ લખાવી દેતો હોવાનું કહેવાય છે.
પતિ દ્વારા પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં ફરિયાદ
વડોદરાઃ પતિ દ્વારા પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં વડોદરા - નવાપુરા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ઓએનજીસીમાં ફરજ બજાવતા અને રાજમહેલ રોડ પર રહેતાં કર્મચારી અને તેની પત્નીના લગ્ન જીવનના પાંચ વર્ષમાં પતિ ‘તું મને ગમતી નથી, તું પિયર જતી રહે’ તેમજ વડોદરામાં લીધેલા ફ્લેટની કિંમતના પૈસા પણ પિયરમાંથી લઈ આવવા દબાણ કરી પતિ મારઝૂડ કરતો હોવાની ફરિયાદ થઈ હતી. પરિણીતાએ જણાવ્યું કે, પતિ ધાકધમકી આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો અને અત્યાચાર કરતો હતો. પોલીસે મહિલાની ફરિયાદ નોંધી અને પતિ વિરુદ્ધ તેમજ સાસરી પક્ષ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
ડભોઇના વરિષ્ઠ ધારાશાસ્ત્રીનું હૃદય રોગના હુમલામાં મોત
ડભોઈઃ સિનિયર ધારાશાસ્ત્રી ખાલીદ હુસેન કે કડિયાનું તાજેતરમાં હદયરોગના હુમલાથી મોત થયું હતું. તેઓ ડભોઈ પાલિકાના માજી પ્રમુખ અને ડભોઈ બાર એસો.ના પ્રમુખ પદે સેવા બજાવી ચૂકેલા હતા. તેઓના અંતિમ જનાજામાં મોટી સંખ્યામાં વકીલો, ગામના અગ્રણીઓ જોડાયા હતા. તેઓને દફનવિધિ હીરાભાગોળ બહાર માઈ સાબમાં કબ્રસ્તાનમાં કરાઈ હતી.