વડોદરાઃ પીપરિયા ખાતે આવેલી ધીરજ જનરલ હોસ્પિટલમાં સતત માથાના દુ:ખાવા અને ખેંચની તકલીફ સાથે ૨૧ વર્ષનો એક દર્દી ઇમર્જન્સી વોર્ડમાં દાખલ થયો હતો. આ દર્દીનો તાત્કાલિક એમઆરઆઇ રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં માલૂમ પડ્યું હતું કે, તેના ડાબા મગજના ‘વર્નિકેઝ’ એરિયામાં ૬.૫ એમ.એમની ટ્યુમરની ગાંઠ બંધાયેલી છે. વ્યકિત સાંભળેલા શબ્દને મગજમાં વિચારી શકે અને તે શબ્દો પ્રમાણે બોલીને કે સાંકેતિક ભાષામાં જવાબ આપી શકે તેવા ડાબા મગજના ‘વર્નિકેઝ’ એરિયામાં ૬.૫ એમએમ બ્રેઇન ટ્યુમરને દર્દીની બોલવાની-વિચારવાની શકિત જ બંધ ન થઇ જાય તે રીતે ઓપરેશન કરી કાઢવાના ચેલેન્જને હોસ્પિટલના ન્યૂરોસર્જન ડો. ભગવતી સાલગોત્રા, ન્યૂરોલોજિસ્ટ ડો. ચતુર રાઠોડ અને એનેસ્થેશિયાલોજિસ્ટ ડો. એ. એમ. છાયાની ટીમે કરી છે.
ચાર કલાકના ઓપરેશનમાં દર્દીની ખોપડીને ડ્રિલ કરી મગજ પરના કવરને દૂર કરીને દર્દીના મગજને સજાગ રાખીને બ્રેઇનનું ઓપરેશન કરવાના જવલ્લે જ જોવા મળતું વડોદરામાં પ્રથમ ઓપરેશન પહેલી ફેબ્રુઆરીએ થયું હતું. હાલમાં દર્દીને હાલત સારી છે અને તે શબ્દો સાંભળવાની સાથે બોલીને તે રીતે એક્શન પણ કરી શકે છે.