દાહોદઃ સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે ચાર બાળકો અને માતા-પિતા મળી એક જ પરિવારના ૬ સભ્યોનાં મૃતદેહ ૨૯મીએ મળ્યા હતા.
આ જ કુટુંબના પિતરાઇ ભાઇ વિક્રમભાઇ ચુનીલાલ પલાસ મોરબી મુકામે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોવાની જાણ સંજેલી પોલીસને કરવામાં આવી હતી. સંજેલી પોલીસ દ્વારા નેનકીના સરપંચને જાણ કરી હતી. જેથી સરપંચ મહેન્દ્રભાઇ પલાસ દ્વારા તરકડા મહુડીના ગ્રામજનોને વિક્રમનો મૃતદેહ મોરબી લેવા જવા તેમના પિતરાઇ ભરતભાઇ પલાસને જાણ કરવા ગયા હતાં ત્યારે સૌ ભયભીત થઇ ગયા હતા.
કારણ કે ભરતભાઇ, તેમના ધર્મ પત્ની અને ચાર બાળકો જેમાં ત્રણ પુત્રો અને એક પુત્રીનો સમાવેશ થાય છે તે તમામના ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા હતા. તમામ મૃતકોનાં મૃતદેહને પીએમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લવાયા હતા. આ સામૂહિક આત્મહત્યા છે કે હત્યા છે તે રહસ્ય હાલ અકબંધ છે.
મૃતકોનાં નામ
ભરતભાઇ કડકિયાભાઇ પલાસ (ઉ. ૪૬), સામીબહેન ભરતભાઇ પલાસ (ઉ. ૪૦), દીપિકાબહેન ભરતભાઇ પલાસ (ઉ. ૧૨), રવિ ભરતભાઇ પલાસ (ઉ. ૬), હેમરાજ ભરતભાઇ પલાસ (ઉ. ૧૦), દિપેશ ભરતભાઇ પલાસ (ઉ. ૮)