આદિવાસી વસ્તી ધરાવતાં દાહોદ જિલ્લામાં દરેક તહેવારની અનોખી રીતે ઊજવણી કરવામાં આવે છે. પરંપરા મુજબ આ દિવસે ખેડૂતો દ્વારા પરોઢના ચાર વાગ્યે ઊઠીને ખેતરે જઈને ધરતી પૂજન કરવામાં આવે છે. તેમાં દીવો કરીને નમન કરવા સાથે આખા ખેતરમાં સાત પૂળા બાળવામાં આવે છે. આ ઉપરાંત જમીનમાં સાત કે નવ ટોપલાં છાણિયું ખાતર પણ નાંખવામાં આવે છે. આ દિવસે જમીનને ખેડવામાં પણ આવે છે. અહીં અખાત્રીજે દાળ-પાનિયા બનાવવાની પરંપરા પ્રચલિત છે.
રીયલ એસ્ટેટ ક્ષેત્રને અખાત્રીજ ફળીઃ વડોદરામાં રીયલ એસ્ટેટ ક્ષેત્રને અખાત્રીજ ફળી હોય તેવું લાગે છે. સામાન્ય રીતે નવી પ્રોપર્ટીનું જે બૂકિંગ થાય છે તેની સામે અખાત્રીજનો દિવસ પસંદ કરીને લોકોએ ૨૦થી ૨૫ ટકા જેટલું બૂકિંગ વધારે કર્યું છે તેવું બિલ્ડરો કહે છે. ખાસ કરીને બજેટ કેટેગરીમાં સૌથી વધારે બૂકિંગ થયું હોવાનું જાણવા મળે છે.
ઝઘડિયામાંથી ગેરકાયદે બે વિદેશી નાગરિકો પકડાયાઃ ચીન તથા થાઈલેન્ડના બે વિદેશી નાગરિકો ટુરીસ્ટ વિઝા પર આવી ભરૂચ જિલ્લાના ઝઘડિયા આવ્યા હતા. અહીં તેઓ ઔદ્યોગિક વિસ્તારની કોલહર કંપની સાથે બિઝનેસ મુલાકાત કરતા ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે તેમની તથા કંપની વિરુદ્ધ વિઝા ભંગના હેતુસર ફરિયાદ દાખલ કરી છે.
અમેરિકાવાસી દ્વારા શાળામાં સેવાકાર્યઃ બોરસદ તાલુકાની સંતોકપુરા પ્રાથમિક શાળાને ગામના વતની અને અમેરિકાવાસી અરવિંદભાઈ અંબાલાલ પટેલ તરફથી વોટર કુલર તથા આર.ઓ. પ્લાન્ટ એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિપુલભાઈ અશોકભાઈ પટેલ (અમેરિકા) દ્વારા થ્રી ઇન વન પ્રિન્ટર આપવામાં આવેલ છે. શાળા પરિવારે આ દાતાઓની સેવાને બિરદાવી હતી.