નડિયાદઃ પૂર્વ કેન્દ્રિય પ્રધાન દિનશા પટેલનો ૨૫ મેએ ૭૯મો જન્મદિન હતો. આ નિમિત્તે નડિયાદમાં રૂ. ૬.૫ કરોડના ખર્ચે નવનિર્મિત કુંદનબહેન દિનશા પટેલ લેડિઝ હોસ્ટેલનું ઉદઘાટન પણ શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્મનંદજીના હસ્તે થયું હતું. દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખેડા-આણંદ અને ગુજરાતમાં માનવસેવા રત સંસ્થાઓને ફૂલ નહીં તો ફૂલ પાંખડી સમાન દાનની અવિરત સરવાણીનો ધોધ વહેતો કરાયો હતો.
આ સમારંભમાં દિનશા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવામાં કાર્યરત સંસ્થાઓને દાન અર્પણ થયું હતું. જેમાં મહાગુજરાત મેડિકલ સોસાયટીને રૂ. બે લાખ, ચાંગા હેલ્થકેર ફાઉન્ડેશનને રૂ. ૫૧ લાખના દાન પેટે રૂ. ૧૦ લાખ, સરદાર સ્મારક ટ્રસ્ટ-બારડોલીને રૂ. ૫૧ હજાર, ભારતીય વિદ્યાભવન-નડિયાદને રૂ.૫૧ હજાર, સરદાર પટેલ મેમોરિયલ અમદાવાદને રૂ. ૫૧ હજાર, મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ- નડિયાદને રૂ. એક લાખ, ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીને રૂ. ૫૧ હજાર, મેથોડિસ્ટ ચર્ચ નડિયાદને રૂ. ૫૧ હજાર, કુંદનબહેન પટેલ સ્કૂલ છાત્રાલય-જીણજને રૂ.૫૧ હજાર, ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળને ૫૧ હજાર, સંતરામ મંદિર સંચાલિત સદવિચાર સમિતિને ૫૧ હજાર, વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ કોલેજને રૂ. ૫૧ હજાર સહિત અન્ય સંસ્થાઓને રૂ. ૧૧ હજાર સુધીનું દાન આપવામાં આવ્યું હતું.