વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિ.ની ટેકનો. ફેકલ્ટીના સેમિનારમાં ઈન્ટરનેટ અને કમ્યુનિકેશનના ક્ષેત્રે ક્રાંતિના સર્જક ફાઈબર ઓપ્ટિકના સહસંશોધક અને અમેરિકાના વૈજ્ઞાનિક પીટર શૂલ્ઝે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ૧૯૬૬માં મેં અને મારી ટીમના સભ્યોએ ફાઈબર ઓપ્ટિક પર સંશોધન કર્યું હતું. ૧૯૭૨માં અમને પહેલી વખત ફાઈબર ઓપ્ટિક બનાવવામાં સફળતા મળી હતી. તે વખતે ટેલિકોમ કંપનીઓ કોપર વાયરનો ઉપયોગ કરતી હતી. ફાઈબર ઓપ્ટિકનું શું કરવું તે એક સવાલ હતો? અંતે ૧૯૭૬માં કેનેડાની ટેલિકોમ કંપનીઓએ આપેલા મોટા ઓર્ડર બાદ ફાઈબર ઓપ્ટિક ટેકનોલોજી વપરાશમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો હતો. ૧૯૮૦ બાદ હાઈ બેન્ડવિડ્થ કમ્યુનિકેશન માટે અનુકૂળ નેટવર્ક અસ્તિત્વમાં આવ્યું હતું. પર્સનલ કમ્પ્યુટરની શોધ થઈ હતી અને યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર બનવા માંડ્યા હતા. તેના કારણે ઈન્ટરનેટને અને ફાઈબર ઓપ્ટિકને પ્રોત્સાહન મળવા માંડ્યું હતું. એ પછી આજે ફાઈબર ઓપ્ટિક નેટવર્કની કુલ લંબાઈ ચાર અબજ કિ.મી. થઈ ચૂકી છે.