વડોદરાઃ લાલબાગમાં નિર્મિત વિશ્વની ત્રીજી અને દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીનું ૧૫મીએ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રેલ પ્રધાન પીયૂષ ગોયલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નેશનલ એકડમી ઓફ ઇન્ડિયન રેલવે (એનએઆઈઆર) અને રેલવે યુનિવર્સિટી તેમજ બુલેટ ટ્રેન ટ્રેનિંગ સેન્ટરનો લાભ મળે તે માટે ઇન્ટિગ્રેટેડ કેમ્પસ બનાવી આગામી વર્ષે વધુ પાંચ કોર્સ શરૂ કરવા રેલ પ્રધાન દ્વારા જાહેરાત થઈ હતી.
પીપરિયામાં ૮૦ એકર જમીન સાથે અન્ય વિકલ્પ પણ વિચારાઈ રહ્યા છે. જે પૈકી એનએઆઈઆર મર્જ કરવા આયોજન છે. જેથી ત્રણે ટ્રેનિંગ વિદ્યાર્થીઓને મળી રહે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી માટે વડોદરાની પસંદગી થઈ હતી. હાલ બીબીએ અને બીસીએ બે કોર્સથી કાર્યરત યુનિવર્સિટીને રેલવે સિવાય પરિવહને લગતા તમામ કોર્સ શરૂ કરવા વાઘોડિયાના પીપરિયા પાસે જગ્યા નક્કી થઈ છે.
આગામી પાંચ વર્ષમાં રૂ. ૪૨૧ કરોડ યુનિવર્સિટી માટે ખર્ચ થશે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વડોદરાને દેશમાં રેલવે માટે હબ બનાવવા તરફ ગતિ કરી રહ્યાનું જણાવ્યું હતું. રેલવે પ્રધાન પીયૂષ ગોયલે દેશમાં રેલવેના ૧૩ લાખ કર્મચારીઓને ટ્રેનિંગ ઉપર ભાર મૂક્યો હતો.