વડોદરાઃ દેશની સૌથી ઝડપી અને આધુનિક ટ્રેન ‘વંદે ભારત’ વેસ્ટર્ન રેલવેમાં મુંબઈથી પૂણે, નાસિક અને વડોદરા વચ્ચે દોડાવવા રેલવે બોર્ડના સભ્ય દ્વારા છઠ્ઠીએ મુંબઈ ખાતે જાહેરાત કરાઈ છે. એક સપ્તાહમાં ટ્રેનનો ટ્રાયલ શરૂ થશે. વડોદરાથી એકમાત્ર વડોદરા એક્સપ્રેસ ટ્રેન મુંબઈ જાય છે. ત્યારે વર્ષો બાદ વંદેભારત ટ્રેન વડોદરાને મળવાની આશા જન્મી છે.
મુંબઈ રેલવે બોર્ડના સભ્ય રાજેશ અગ્રવાલે ત્રણ સ્ટેશન વચ્ચે વંદે ભારત ટ્રેન માટેની શક્યતાની ચકાસણી જૂનના અંતથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. જે વેસ્ટર્ન રેલવેની પ્રથમ ટ્રેન રહેશે. તેમણે જણાવ્યું હતું કે હજુ માત્ર રૂટ પર ટ્રાયલ થશે. ત્યાર બાદ જો સેફટી અને ટ્રાફિકની અનુકૂળતા રહેશે તો આ રૂટ પર ટ્રેન ચલાવાશે. ૧૨ કોચની ટ્રેન દ્વારા ટ્રાયલ કરાશે. જો ટ્રાયલ સફળ રહેશે તો આગામી પાંચ જુલાઈના બજેટમાં જાહેરાતની શક્યતા જાણકારો માની રહ્યા છે.
બે મહિનામાં ટ્રેન શરૂ થઈ શકે
વડોદરાથી - મુંબઈનું અંદાજે ૪૦૦ કિ.મી.નું અંતર કાપવા રાજધાની એક્સપ્રેસ ટ્રેન વેસ્ટર્ન રિજિયનમાં આશરે ૧૩૦-૧૪૦ કિ.મી.ની સ્પીડે ચલાવાય છે.
રાજધાની વેસ્ટર્ન રેલવેમાં નિયત સ્પીડ ૧૨૦ કરતાં વધુ સ્પીડે છેલ્લા કેટલાક સમયથી ચલાવી પ્રયોગ થાય છે. જે પાંચ કલાકમાં વડોદરાથી મુંબઈ પહોંચાડે છે. ત્યારે સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત ૧૮૦ની સ્પીડે ચાલતાં અંદાજે ચાર કલાકમાં પહોંચાડશે. આ ટ્રેન ૪ કલાકમાં જ વડોદરાથી મુંબઈ પહોંચાડશે.