આણંદઃ ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ)માં ૧૨મી જાન્યુઆરીએ આઠમો પદવીદાન સમારોહ યોજાયો હતો. પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણના શિલ્પી ‘ન્યુક્લિઅર મેન’ પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ ડો. આર. ચિદમ્બરમ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા. આ કાર્યક્રમમાં ૩૪ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અને ૧૯૯૫ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ હતી.
સમારોહમાં યુનિ.ની ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના ૨૧૯, ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર સાયન્સના ૨૭૦, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ૧૮૪, ફેકલ્ટી ઓફ ફાર્મસીના ૭૫, ફેકલ્ટી ઓફ એપ્લાઇડ સાયન્સિસના ૨૦૦, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગની વિવિધ છ વિદ્યાશાખાઓના ૧૦૧૪ મળીને કુલ ૧૯૯૫ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ હતી.
ચારુસેટના રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોષીની આગેવાનીમાં સવારે ૧૦.૩૦ કલાકે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં મુખ્ય અતિથિ ડો. આર. ચિદમ્બરમ, ચારુસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. પંકજ જોષી, કેળવણી મંડળના માનદ્ મંત્રી ડો. એમ સી પટેલ, માતૃસંસ્થા અને ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ નગીનભાઈ પટેલ, ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, તેજસ્વી સુવર્ણચંદ્રક ધારકો અને પીએચડી પદવી ધારકો, અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા.
ચિદમ્બરમે ચારુસેટની ઉપલબ્ધિઓ બદલ અભિનંદન પાઠવતાં દીક્ષાંત પ્રવચનમાં જણાવ્યું કે, ચારુસેટ યુનિ.એ ખૂબ જ ટૂંકા ગાળામાં અત્યંત પ્રગતિશીલ કાર્યો કર્યાં છે. યુનિવર્સિટીની અભ્યાસ પદ્ધતિથી વિદ્યાર્થીઓને ઉત્તમ રિસર્ચ પ્રોજેક્ટ કરવાની તક મળશે.
ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના પૂર્વ ડિરેકટર અને એટોમિક એનર્જી કમિશનના પૂર્વ ચેરમેન ચિદમ્બરમના સેવાકાળમાં ભારતે પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણો કર્યાં હતાં. સતત ૧૬ વર્ષ ભારત સરકારના પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઇઝર રહેલા ચિદમ્બરમે ભારતને પ્રગતિશીલ દેશ બનાવવા ટકાઉ વિકાસ સાથે ૧૦૦ ટકા સાક્ષરતા સાથે મહિલા સશક્તિકરણ જરૂરી છે તેવું જણાવતાં કહ્યું કે, આપણે આર્થિક, સંશોધન અને સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનવું જોઈએ.
દેશના વિકાસ સાથે પર્યાવરણનું સંવર્ધન-સંરક્ષણ, ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે સંતુલન પર પણ તેમણે ભાર મૂક્યો હતો.
તેઓએ પદવીધારકોને સંબોધન કર્યું કે, યુવાધન કલ્પના શક્તિ અને સર્જનાત્મકતાથી સભર છે. જેથી શૈક્ષણિક સંસ્થાઓનો મુખ્ય હેતુ તેમની આ શક્તિઓને પ્રોત્સાહન આપી જ્ઞાનનું પ્રતિપાદન કરવાનું હોવું જોઈએ.