વડોદરા: જૈનધર્મના ૪૫ આગમોમાંનું ૧ આગમશાસ્ત્ર ઉત્તરાધ્યયનસૂત્ર પર શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સર્ટિફિકેટ આપશે. સમગ્ર વડોદરામાં ચતુર્માસ દરમિયાન જૈન આચાર્યો, મુનિઓ દ્વારા અલગ અલગ દેરાસરોમાં ઉત્તરાધ્યયન સૂત્ર પર પ્રવચનો અપાય છે. શહેરના જૈનસમાજની વ્યક્તિઓ આ પ્રવચનો મોટી સંખ્યામાં આવી રહી છે. ત્યારે જે-તે વ્યક્તિએ આ પ્રવચનો પર આર્ટિકલ લખીને તેને એમ. એસ. યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીમાં જમા કરાવવાના રહેશે. જે બાદ આર્ટિકલોનું ચયન કરીને બેસ્ટ આર્ટિકલ લખનારને ગોલ્ડ મેડલ અને બાકીના ઉમેદવારોને રજત મેડલ અપાશે. યુનિવર્સિટી આ માટે દરેકને સર્ટિફિકેટ કોર્સ ઇન જૈનિઝમ અંતર્ગત સર્ટિફિકેટ પણ આપશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં બે વર્ષથી એમ એસ યુનિવર્સિટીમાં સર્ટિફિકેટ કોર્સ ઇન જૈનિઝમ સુચારુરૂપે ચાલી રહ્યો છે. સાધુ-સાધ્વીજી અને ભગવંતો જ ઉત્તરાધ્યયન સૂત્ર ભણવા માટેના અધિકારી છે.
સાધુ સાધ્વીઓની મહેનત
કલ્યાણબોધિ સૂરીશ્વરજી મહારાજસાહેબના જણાવ્યા અનુસાર, ઉત્તરાધ્યયન સૂત્રને ભણવા માટેનાં અધિકારી માત્ર સાધુ-સાધ્વીજી અને ભગવંતો જ છે. જોકે તેમણે પણ આ સૂત્ર ભણવા માટે ૧ મહિનાની યોગ તપસ્યા કરવી પડે છે. કોઈ શ્રાવક-શ્રાવિકાને સૂત્ર ભણવાનો સીધો અધિકાર નથી. ગુરુ આજ્ઞા પ્રાપ્ત શિષ્યો જ આ સૂત્ર ભણી શકે છે. આ પરથી સૂત્રની ગંભીરતા જાણી શકાય છે.