આણંદઃ ડિસેમ્બર, ૧૯૪૩માં સ્થપાયેલી ધર્મજ કેળવણી મંડળ સંસ્થા ગુજરાતી માધ્યમમાં બાલમંદિરથી બારમા ધોરણ સુધીના અભ્યાસની સુવિધા ધરાવે છે. શાળા સંકુલમાં ૧૯૭૮માં અંગ્રેજી માધ્યમની શાળાની સ્થાપના પણ થઈ હતી. ધર્મજ કેળવણી મંડળમાં પુસ્તકાલય, વ્યાયામમંદિર અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા સહિતના અનેક પ્રકલ્પો છે. ધર્મજ કેળવણી મંદિર સંસ્થા ૭૫માં પ્રવેશી તે નિમિત્તે ૨૯મી ડિસેમ્બરે વિવિધ કાર્યક્રમોની ઊજવણી સાથે એક વર્ષ સુધી ચાલનારા ‘અમૃત મહોત્સવ’નું ઉદઘાટન થયું હતું. આ નિમિત્તે એચ. એમ. પટેલ, ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ કોમ્પલેક્સમાં અનેક પ્રવૃત્તિ સાથેનો કાર્યક્રમ હતો. ધર્મજ કેળવણી મંડળના સરપ્રમુખ ડો. અમૃતાબહેન પટેલ દ્વારા ‘અમૃત મહોત્સવ’ ઊજવણીને ખુલ્લી મુકાઈ હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. શિરીષભાઈ કુલકર્ણીએ રિબિન કાપીને કાર્યક્રમ શ્રૃંખલાનું ઉદઘાટન કર્યું હતું. એચ. એમ. પટેલ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ કોમ્પલેક્સના ૪૦મા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમની ઊજવણી પણ ખૂબ ઊત્સાહપૂર્ણ રીતે થઈ હતી. આ પ્રસંગે ડો. કુલકર્ણીએ કહ્યું કે, ધર્મજીયનો દરિયો ખેડીને દુનિયાભરમાં સ્થાયી થયા છે. તેમાં કેળવણીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ધર્મજ કેળવણી મંડળનું પણ તેમાં ઉમદા યોગદાન રહ્યું છે.
તેમણે કહ્યું કે, ધર્મજના વતની તથા સરદાર પટેલ યુનિવર્સિટીના સરકાર નિયુક્ત પૂર્વ સિન્ડિકેટ રાજેશ પટેલ તથા મંડળના મોભીઓ સાથે થયેલી ચર્ચા પ્રમાણે યુનિવર્સિટી દ્વારા ધર્મજ કેળવણી મંડળ સંચાલિત શાળા કક્ષાએ ચાલતા એકમાત્ર બાયોટેકનોલોજી સેન્ટરને જરૂરી તમામ માર્ગદર્શન મળશે. આ પ્રસંગે કેળવણી મંડળના ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ (મામા), પ્રમુખ હર્ષદભાઈ, માનદ મંત્રી વિક્રમભાઈ પટેલ, સહમંત્રી ગોપાલભાઈ, ખજાનચી એચ. વી. પટેલ, ભાસ્કરભાઈ, જીતુભાઈ, ‘અમૃત મહોત્સવ’ ઊજવણી સમિતિના અધ્યક્ષ અશ્વિનભાઈ (શ્રોફ) તથા ગામની અગ્રણી સંસ્થાઓના મોભીઓ, વાલીઓ, પરદેશથી પધારેલા ધર્મજવાસીઓ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.