પેટલાદ તાલુકાના ધર્મજમાં રહેતા ખેડૂતોએ ગત સપ્તાહે ગ્રામપંચાયતમાં ધર્મજ વિસ્તાર વિકાસ સેવા મંડળ કમિટીને ઉદ્દેશીને ધર્મજના ડેવલપમેન્ટ પ્લાનને રદ કરવા લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે, ભૂતકાળમાં જે ડેવલપમેન્ટ પ્લાન (ડીપી) પ્રથા અમલમાં હતી તે અત્યારે ફેરફાર કરી પરામર્શ કરવા માટે ગ્રામપંચાયતમાં આવેલ છે. આવી પ્રથા આસપાસના ગ્રામ પંચાયતમાં અમલમાં નથી તો ક્યા કારણથી અત્યારે આ પ્રથાનું પુનરાવર્તન કરવું? આ પ્રથાના કારણે ખેડૂત ખાતેદારોને કોઈપણ પ્રકારનો લાભ જણાતો નથી. ઉપરાંત જમીનને બિનખેતીની કરવામાં મુશ્કેલી થાય છે. સરકારે ખેડૂતોને આપેલા હક્ક પર આ પ્રથાના કારણે નિયંત્રણ આવી જાય છે. ખેડૂતોને જમીનમાં મકાન તથા અન્ય બાંધકામ કરવું, લઘુ ઔદ્યોગિક એકમ ઊભો કરવામાં તકલીફ પડે છે, માટે અત્યારે ડીપી પ્રથા રદ થાય તો ભવિષ્યમાં ખેડૂતોને વિકાસ અર્થે સમસ્યાનો સામનો કરવો પડે નહીં. આ ઉપરાંત ગામમાં છેલ્લા ૨૫ વર્ષથી કોઈ નોંધપાત્ર ઔદ્યોગિક એકમો ઊભા થયેલ નથી તથા ગામની વસ્તી પણ નિયંત્રિત છે ત્યારે ગ્રામ પંચાયતના અગાઉ કરેલ ડીપી બાબતના તમામ ઠરાવો રદ કરવા અને ટૂંક સમયમાં ખાસ ગ્રામસભા યોજીને તેમાં જે નિર્ણય થાય તે મુજબ નવા ઠરાવ કરવા ઉગ્ર રજૂઆત થઇ છે.
ગાંધીજીના રહસ્યમંત્રી હરિભાઈની પુણ્યતિથિઃ મહાત્મા ગાંધીના રહસ્યમંત્રી, કસ્તુરબા સાથે સમગ્ર ભારત ભ્રમણ કરનાર કપડવંજના જાહેરકાર્યોના પ્રણેતા તેવા હરિભાઈ માણેકલાલ દેસાઈને તેમની ૮૯મી પુણ્યતિથિ નિમિત્તે ગત સપ્તાહે કપડવંજ સેવા સંઘ અને મહાજન લાયબ્રેરીના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. હરિકુંજ ખાતે આવેલી સદ્ગતની પ્રતિમાને સંસ્થાના પ્રમુખ વિનોદ ગાડીએ શ્રદ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે, કપડવંજમાં જન્મેલા હરિભાઈએ ઈ.સ. ૧૯૨૦માં ફ્રેન્ચ શિક્ષકની નોકરી છોડી સમાજસેવાનો સંકલ્પ લઈ ગાંધીજીના અનુયાયી બન્યા હતા. મૂકસેવક હરિભાઇની કપડવંજ અને ભરૂચમાં અનેક સંસ્થાઓ આજે પણ કાર્યરત છે.